GUJARAT

સુરત: ઉછીના આપેલા રૂ.21.64 લાખ પરત માંગતી 50 વર્ષીય અપરણિત મહિલાના ઘરે વાતચીતના બહાને જઈ છેડતી કરનાર જમીન દલાલ અને તેના ભાઈની ધરપકડ

 683 Total Views

– સૈયદપુરાની મહિલાએ બે વર્ષ અગાઉ આપેલા પૈસા માતાના ઓપરેશન માટે જરૂર હોય પરત માંગ્યા હતા

સુરત,તા.22 ઓક્ટોબર 2021,શુક્રવાર

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ઉછીના આપેલા રૂ.21.64 લાખ પરત માંગતી 50 વર્ષીય અપરણિત મહિલાના ઘરે વાતચીતના બહાને જઈ છેડતી કરનાર જમીન દલાલ અને તેના ભાઈની લાલગેટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સૈયદપુરા વિસ્તારમાં વિધવા માતા અને અપરણિત બહેન સાથે રહેતી 50 વર્ષીય અપરણિત નસરીન ( નામ બદલ્યું છે ) સિલાઈ કામ કરે છે. નસરીને બે વર્ષ અગાઉ પોતાની બચતના રૂ.21.64 લાખ જમીન દલાલી અને મકાન લે-વેચનું કામ કરતા બે ભાઈઓ મોહમદ અલ્તાફ મોહમદ આઝમ જારૂલ્લાહ ( ઉ.વ.49 ) અને મોહમદ અસ્ફાક મોહમદ આઝમ જારૂલ્લાહ ( ઉ.વ.42 ) ( બંને રહે.ઘર નં.12/2949,રાણીતળાવ, ભારબંધવાડ, સુરત ) ને ઉછીના આપ્યા હતા.થોડા સમય અગાઉ માતાનું ઓપરેશન કરાવવાનું હોવાથી નસરીને પૈસા પરત માંગતા બંને ભાઈઓએ રૂ.1.50 લાખ ચેકથી ચૂકવ્યા હતા. જયારે બાકીના પૈસા આપતા ન હોય નસરીને લાલગેટ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે બંનેની અટકાયત પણ કરી હતી.

દરમિયાન, ગત 10 મી ની બપોરે 2.30 કલાકે બંને ભાઈ પૈસા બાબતે સમાધાનની વાતચીત કરવી છે કહી ઘરે આવ્યા હતા અને નસરીને પૈસા માંગતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. તે પૈકી અલ્તાફે ઉભા થઇ નસરીનનો હાથ પક્ડી દુપટ્ટો ખેંચી ધક્કો મારી જમીન પર નીચે પાડી દઇ લાજ લેવાની કોશિશ કરી હતી. તે સમયે નસરીનની બહેન રૂમમાંથી બહાર આવતા બંને ભાગી ગયા હતા. બનાવ અંગે નસરીને ગતરોજ બંને ભાઈઓ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.