1,571 Total Views
ખેડૂત આંદોલન ને લઇ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ માં આજે પણ સુનવણી ચાલી. દેશની સર્વોચ્ચ અદાલતે ગુરૂવારના રોજ બીજા દિવસે સુનવણી કરતાં કહ્યું કે કેસને ઉકેલવા માટે સમિતિની રચના કરી શકાય છે. તેમાં બંને પક્ષ પોત-પોતાની વાત મૂકી શકે છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ કહ્યું કે ખેડૂતોને પ્રદર્શન કરતાં કોઇ રોકી શકે નહીં, પરંતુ સાથો સાથ પંજાબ સરકાર નો પક્ષ મૂકતા પી.ચિદમ્બરમને પ્રશ્ન પણ કર્યા કે જો ખેડૂત હિંસક રૂપ ધારણ કરી લે છે તો તેના માટે જવાબદાર કોને મનાશે.
જાણો ખેડૂત આંદોલનના પક્ષ વિપક્ષમાં દેશની સૌથી મોટી કોર્ટમાં ગુરૂવારના રોજ શું-શું દલીલો થઇ અને કોર્ટે શું ટિપ્પણીઓ કરી…
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI): દિલ્હી બોર્ડરને બ્લોક કરવાથી શહેરના લોકો માટે ખાવા-પાવીની સમસ્યા ઉભી થઇ શકે છે. તમારી (ખેડૂતો) માંગણીઓનું સમાધાન વાતચીત દ્વારા થઇ શકે છે. બસ માત્ર ધરણાં પર બેસી જવાથી સમાધાન નીકળશે નહીં.
CJI: આપણે આજે નવા કૃષિ કાયદાની માન્યતા નિર્ણય કરીશું નહીં. દેશના નાગરિકોને દેશમાં કયાંય પણ સ્વતંત્ર રીતે જવાના અધિકાર પર સુનવણી કરીશું.
હરીશ સાલ્વે: ખેડૂત આંદોલનથી જીવન જીવવાના અધિકાર પર અસર પડી રહી છે. દિલ્હીમાં ફળ-શાકભાજી બીજા રાજ્યોમાંથી આવે છે. રસ્તો જામ હોવાથી તેના ભાવ વધી રહ્યા છે.
CJI: પ્રદર્શન કરવાનો તમામને અધિકાર છે.
હરીશ સાલ્વે: પ્રદર્શનના અધિકારમાં સંતુલન જરૂરી છે. જીવનના અધિકારે તેનાથી પ્રભાવિત થવું જોઇએ નહીં. ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારાથી દિલ્હીના બે કરોડ લોકો પ્રભાવિત થઇ રહ્યા છે.
CJI: કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન મૌલિક અધિકાર છે. હા તેનાથી બીજા કોઇનું જીવન પ્રભાવિત થવું જોઇએ નહીં.
સુપ્રીમ કોર્ટમાં કંઇ-કંઇ અરજીઓ
સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઇ કેટલીય અરજીઓ દાખલ કરાઇ છે. જેમાં દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તરત હટાવાની માંગણી કરાઇ છે. તેમાં કહ્યું છે કે આ ખેડૂતોએ દિલ્હી-એનસીઆરની સરહદો પર અવરોધ ઉભો કર્યો છે. તેના લીધે આવતા-જતા લોકોને ખૂબ જ પરેશાની થાય છે અને આટલી મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવાથી કોવિડ-19ના કેસમાં વધારો થવાનો ખતરો વધી ગયો છે. ન્યાયાલયે આ અરજીઓ પર કેન્દ્ર અને અન્યન પણ નોટિસ મોકલી છે.