GUJARAT Surat

સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે એક પછી એક ટ્વિટથી મચાવ્યો ખળભળાટ, ‘પોલીસને ગુલામ અને ભ્રષ્ટ ગણાવી…’

 1,054 Total Views

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર (કુમાર) કાનાણીના પુત્ર અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી જીભાજોડીના ઓડિયો, વીડિયો વાયરલ થતાં મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો હતો. આરોગ્યમંત્રીના કાનાણીના પુત્ર પ્રકાશ સાથેની માથાકૂટને લઇ સોશિયલ મીડિયામાં વાદવિવાદમાં સપડાયેલી લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવે રવિવારે સાંજે પોલીસ હેડક્વાટરમાં હંગામો મચાવ્યો હતો. મીડિયાને જાણ કરી તેણી હેડક્વાટર પહોંચી હતી. અહીં માથાકૂટના અંદેશાને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સુનીતાએ ટ્વીટ કરીને પોલીસને નેતાની ગુલામ અને ભ્રષ્ટ ગણાવી દીધી હતી. એટલું જ નહીં, આ કેસમાં ક્યારેય માફી નહીં માંગુ તેવું પણ લખ્યું હતું. હું સરકારની નોકરી કરૂં છું કોઈના બાપની નહીં. સુરત હેડક્વાર્ટરમાં તે પોતાનું નિવેદન લખાવવા માટે આવી ત્યારે પોતાની જાતને એક સેલિબ્રિટી માનતી હોય તેમ મીડિયા સામે રૂઆબ બતાવ્યો હતો. આર્મી સ્ટાઇલ કપડાં, મોંઘા ગ્લાસ પહેરી હોન્ડા સિટી કારમાં આવેલી સુનીતા યાદવે અહીં મીડિયાને મળવા પ્રયાસ કર્યો હતો. જો કે તેણી મીડિયા સુધી પહોંચે એ પહેલા પોલીસ સ્ટાફ દ્વારા તેણીને પકડી ઓફિસમાં લઇ જવાઇ હતી. અહીં તેણીએ બૂમબરાડા પાડી હંગામો કર્યો હતો. પોતે રાજીનામું આપવા આવી છે. પોલીસ કમિશનરને મળવું છે એમ કહી તેણીએ અધિકારીઓ સાથે લમણાઝીંક કરી હતી. અહીં ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

 

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ હેડક્વાર્ટર જઈ આવ્યા બાદ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. રવિવારે સાંજે હેડક્વાર્ટરથી રોફમાં નીકળેલી સુનિતાએ ટ્વિટ કર્યું હતું કે “નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમના કેટલાક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કેમકે તેમને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધુ ગમે છે. આ જ ભ્રષ્ટ અને કમજોર સિસ્ટમના કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી રહ્યા છે પરંતુ અમે ઝૂકવાવાળા નથી.” આ ટ્વીટ મારફતે સુનિતા સિસ્ટમમાં પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવતી જણાય છે.

બીજા એક ટ્વીટમાં “હું સરકારની નોકરી કરું છું કોઈના બાપની નહીં એ બીજા જ લોકો હશે જે નેતાઓ અને મંત્રીઓની ગુલામી કરતા હશે. અમે સ્વાભિમાન સાથે સમાધાન કરી નોકરી નથી કરી વર્દી માટે ભારત માતાના શપથ લીધા છે. હું માફી માંગીશ કઈ બાબતે ? કયારેય નહીં”. આ ટ્વીટથી જણાય છે કે સુનિતાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી માફી માંગવા દબાણ કરવામાં આવ્યું હોય શકે છે.

 

રવિવાર હોવાથી કોઇ અધિકારી મળશે નહીં એ જાણવા છતાં તેણી ઓફિસ પહોંચી હતી. પોલીસ અધિકારઓએ સુનિતા સાથે આવેલા તેણીના ભાઇને સમજાવ્યો અને સાહેબ ઓફિસમાં નથી, મળવું હોય તો સવારે આવે એમ કહ્યું હતું. ત્યારબાદ સુનીતા ભાઇ સાથે રવાના થઇ હતી. મીડિયાએ તેણીની ગાડીનો પીછો કર્યો અઠવાગેટ વિસ્તારમાં રોકી હતી. અહીં તેણીએ કારમાંથી બહાર નીકળવા વીસથી પચ્ચીસ મિનિટનો સમય લીધો હતો. મારે તમારું કંઇ કામ નથી એમ કહી તેણે મીડિયા સામે રોફ ઝાડયો હતો. ત્યારબાદ તે થોડા સમય માટે મીડિયા સામે આવી તો ખરી પરંતુ તેના તેવર પોલીસ કર્મચારી નહીં પણ ફિલ્મ સ્ટાર જેવા જોવા મળ્યા હતાં. તેણીએ મીડિયા સાથે સીધા મોંઢે વાત પણ કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published.