1,642 Total Views
દેશ (India)ના ઘણા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ (Birds)ના અચાનક મૃત્યુ થયાના સમાચાર આવી રહ્યા છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં પશુ-પક્ષીઓની સમસ્યાઓ વધી જતી હોય છે, પરંતુ તેમના સતત મૃત્યુ થવાથી અલગ પ્રકારની ચિંતા પેદા કરી રહ્યું છે. આ જ કારણ છે કે સંબંધિત રાજ્ય સરકારો તેમના સંબંધિત સ્તરોથી યોગ્ય પગલા લઈ રહી છે અને શાસન-પ્રશાસનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આવો આપને જણાવીએ કે કયા રાજ્યમાં પક્ષીઓને લઇ કેવા પ્રકારની ચિંતા સામે આવી રહી છે.
પોંગ ડેમમાં પક્ષીઓનું રહસ્યમય મોત
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના પોંગ ડેમ (Pong Dam) વિસ્તારમાં 1,400થી વધુ સ્થળાંતરીત પક્ષીઓ (Migratory Birds)ના રહસ્યમય રીતે મોત થયું છે. સાવચેતીના પગલે કાંગરા જિલ્લાના વહીવટીતંત્રે આગામી આદેશો સુધી ડેમ જળાશયમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબમાં મોતનું કારણ જાણવા નમૂનાઓ મોકલવામાં આવ્યા છે.
બે મૃત કાગડામાંથી વાયરસ મળી આવ્યો
તો મધ્યપ્રદેશના ઇન્દોરના એક ખાનગી કોલેજ કેમ્પસમાં 100થી વધુ કાગડાઓમાંથી બેની તપાસમાં ‘H-5N-8’ વાયરસ જોવા મળ્યો. ત્યારબાદ રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત પશુ ચિકિત્સા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સક્રિય થઈ ગયા છે. આ શ્રેણીમાં સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) ના એડિશનલ નિયામક ડો.શૈલેષ સાકલ્લે શનિવારના રોજ ઇન્દોર પહોંચીને મામલાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
ગુજરાતના જૂનાગઢમાં પક્ષીઓના મોત
આ સાથે જ ગુજરાતમાં 53 પક્ષીઓનાં મોતનાં સમાચાર મળતાં રાજ્યનું વહીવટી તંત્ર સજાગ થઈ ગયું છે. ત્યાં પક્ષીઓના મોત પાછળ બર્ડ ફ્લૂની આશંકા છે. 2 જાન્યુઆરીના રોજ જૂનાગઢના બાંટલા ગામમાં 53 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
રાજસ્થાનમાં પણ ચિંતાજનક પરિસ્થિતિ
બીજી તરફ રાજસ્થાનના જયપુર સહિત 7 જિલ્લામાં 24 કલાકમાં વધુ 135 કાગડાઓના મોત થયાની માહિતી મળી છે. રાજ્યની અશોક ગેહલોત સરકારે પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તદ્ઉપરાંત ચાર વિભાગમાં નિષ્ણાંત ટીમો પણ મોકલવામાં આવી છે. સાંભર તળાવમાં મોટા પાયે પક્ષીઓના અચાનક મોતની ઘટના બાદ બીજી સૌથી મોટી મુસીબત સામે આવી છે.