GUJARAT

શિવાંશની માતા મહેંદીની સચીને હત્યા કરી

 681 Total Views

પેથાપુરમાં માસુમને તરછોડવાના કેસમાં ચોંકાવનારો વળાંક

પ્રેમીકા મંહેદીને હત્યા બાદ શિવાંસને ઘરે લઇ જઇ શકે તેમ ન હોવાથી તેને અન્ય સ્થળે મુકવાના બદલે સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પસંદ કરી

ગાંધીનગર: ગાંધીનગર નજીક નજીક પેથાપુરમાં સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે દશ માસના માસૂમ શિવાંસને તરછોડી દેવાના કિસ્સામાં એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. જેમાં આરોપી પિતા સચિન દિક્ષીતે શુક્રવારે સાંજે તેની બીજી પત્ની અને પ્રેમિકા તેમજ શિવાંસની માતા મંહેદીની ગળુ દબાવીને હત્યા કરી હતી. બે વર્ષ સુધી લીવ ઇનમાં રહ્યા બાદ પણ સામાજીક દરજ્જો ન મળતા થયેલી તકરારમાં સચીને આવેશમાં આવીને પ્રેમિકાનું વડોદરા ખાતેના મકાનમાં ગળુ દબાવીને હત્યા કરી હતી. બાદમાં શિવાંસને લઇને તે ગાંધીનગર આવી ગયો હતો. સચીનની આ આઘાતજનક કબુલાતથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. આમ, માસૂમ શિવાસના માથા પરથી માતાની છત્રછાયા હટી ગઇ છે અને તેના પિતાને હવે જેલની હવે ખાવી પડશે. તો સચીનની પત્નીને પણ સમગ્ર બાબતની જાણ થઇ છે. ત્યારે એક સાથે બે પરિવારનો માળો વિખેરાઇ ગયો છે.

ગાંધીનગરની ભાગોળે આવેલા પેથાપુર નજીકની સ્વામી નારાયણ મંદિરની ગૌશાળામાં શુક્રવારે રાતના સમયે એક દશ માસના બાળકને કોઇ અજાણી વ્યક્તિ બિનવારસી રીતે મુકીને નાસી ગઇ હતી. જેમાં ૨૦ કલાકની ભારે જહેમત બાદ ગાંધીનગર પોલીસને બાળકના પિતા સચીન દિક્ષિતની ભાળ મેળવવામાં સફળતા મળી હતી. જેમાં આ બાળકનું નામ શિવાંસ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેની માતા મહેદી અને સચીનની પ્રેમીકા વડોદરા ખાતે રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતુ. આમ, પોલીસને પુત્ર શિવાંસને તરછોડનાર પિતાની ભાળ મેળવ્યા બાદ પણ પોલીસ ની ખુશી વધારે ન ટકી શકી કારણ કે આરોપી સચિન દિક્ષિતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે શુક્રવારે તેને તેની પ્રેમિકા મંહેદી સાથે રહેવા અને તેના સંબધને સામાજીક માન્યતાને લઇને ઉગ્ર બોલાચાલી થઇ હતી.જેમાં આવેશમાં આવીને તેણે મંહેદીનું ગળુ દબાવીને હત્યા કરી હતી. આ ચોંકાવનારી ઘટનાની માહિતી આપતા રેંજ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે ગાંધીનગર સેક્ટર-૨૬ ગ્રીન સીટી પ્લોટ નંબર ડી ૩૫માં રહેતો સચીન દિક્ષીત ઓઝોન ઓવરસીઝની અમદાવાદની ઓફિસમાં નોકરી કરતો હતો, ત્યારે વર્ષ ૨૦૧૮માં તેનો સંપર્ક એક શો રુમમાં નોકરી કરતી મંહેદી પેથાણી નામની યુવતી સાથે મુલાકાત થઇ હતી. જમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તો સચીન પરણિત હોવા ઉપરાંત, એક બાળકનો પિતા હોવાના વાતની જાણ મંહેદીને હતી. જો કે તે તેની પત્ની આરાધનાને છુટાછેડા આપી દેશે તેમ કહેતા બંનેનો સંબધ આગળ વધ્યો હતો. જેમાં એક વર્ષ બાદ બંને જણાએ પ્રેમલગ્ન કરી લીધા હતા અને સચીને બોપલમાં મકાન ભાડે રાખ્યું હતું. તેમના પ્રેમ લગ્નની જાણ મંહેદીએ તેના માસી અનિતા પેથાણીને કરી હતી. બાદમાં ૧૦ ડીસેમ્બર ૨૦૨૦ના રોજ શિવાંસનો જન્મ થયો હતો. તો સચીન બોપલ નિયમિત રીતે આવતો જતો હોવાને કારણે તેનો બીજો સંસાર સારી રીતે ચાલતો હતો. બાદમાં ચાર મહિના પહેલાની તેની બદલી વડોદરા ખાતે થતા તેણે બાપોદ વિસ્તારમાં આવેલા દર્શન ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. જ્યાં મંહેદી તેના પુત્ર શિવાંસ સાથે રહેવા માટે ગઇ હતી. વડોદરા નોકરી શરુ થતા સચીને સોમવારથી શુક્રવાર વડોદરા રહેવાનું શરુ કર્યું હતું. તો શનિવાર અને રવિવારે તે ગાંધીનગર તેના ઘરે આવતો હતો. લગ્ન બાદ મંહેદી સચીન સાથે ખુશ હતી. જો કે તેના સંબધને સામાજીક સ્વીકૃતિ મળતી ન હોવાને કારણે તે સતત નિરાશ રહેતી અને તેને સચીન સાથે આ બાબતે તકરાર પણ થતી હતી. ગત શુક્રવારથી સચિનને કોટા રાજસ્થાન ખાતે કોઇ સામાજીક કામ હોવાથી તેણે ૧૦ દિવસની રજા લીધી હતી. આમ, સચીન સતત દશ દિવસ વડોદરા ન આવી શકે તેમ હોવાથી ંમૅહેદી સાથે ફરીથી તકરાર થઇ હતી. જેમાં તેણે સચીનને જવા માટે ના પાડી હતી. આ સમયે ઉગ્ર તકરાર થતા સચીને મંહેદીને તમાચો માર્યો હતો. સ્થિતિ વણસણતા મંહેદીએ પ્રતિકાર કરતા સચીને તેનું ગળુ દબાવ્યું હતું. જેમાં તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બની ત્યારે શિવાંસ સતત રડી રહ્યો હતો અને તેની નજર સામે જ તેની માતાએ દમ તોડયો હતો. બાદમાં સચિનને તેની ભુલ અંગે પસ્તાવો થયો હતો. પણ ત્યાં સુધીમાં મોડુ થઇ ગયું હતું. પછી તેણે મંહેદીની લાશને બેગમાં પેક કરી હતી અને લઇને જઇને રસ્તામાં ફેંકી દેવાનું નક્કી કર્યું હતું. પણ કોઇ કારણસર તે બેગને રસોડામાં મુકીને જ શિવાંસને લઇને નીકળી ગયો હતો. જો કે તેને હવે ખ્યાલ હતો કે હવે તે ગમે ત્યારે પડકાઇ જશે. જેથી શિવાંસને ઘરે લઇ જવાને બદલે તે મંદિરમાં સચવાઇ રહેશે. તેમ વિચારીને પેથાપુર ખાતે સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પર આવ્યો હતો. જ્યાં તેને મુકીને ઘરે આવી ગયો હતો.ત્યાંથી તે તેના માતા પિતા અને પત્ની સાથે કોટા ગયો હતો.

આમ, શિવાંસના તરછોડવાના કેસમાં તેની માતાની હત્યા થયાનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ બાબતે વડોદરા પોલીસને જાણ કરી હતી. બાદમાં વડોદરા સ્થિત ફ્લેટમાં તપાસ કરતા મંહેદીનો મૃતદેહ બેગમાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસે સચીન સામે પેથાપુરમાં બાળકને તરછોડવાનો અને વડોદરામાં હત્યાનો ગુનો નોંધ્યો છે.

પ્રેમીકા મંહેદીને હત્યા બાદ શિવાંસને ઘરે લઇ જઇ શકે તેમ ન હોવાથી તેને અન્ય સ્થળે મુકવાના બદલે સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પસંદ કરી

મૃતક મંહેદીના માસી અનિતા પેથાણી આઘાતમાં ગરકાવ

‘મારી દીકરી મંહેદીનો એટલો જ વાંક કે તેણે સચીન પર ભરોસો કર્યો’

સચીનની પ્રેમિકા મૅહેદીની હત્યાના આઘાતજનક સમાચાર મળતા જ બોપલ ખાતે રહેતા મહેદીના માસી અનિતા પેથાણી રીતસરના દુખમાં ગરકાવ થઇ ગયા હતા. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે મંહેદીનો વાંક એટલો જ હતો કે તેણે સચીન પર વિશ્વાસ કર્યો અને તેની આજે મોત મળ્યું.

અનિતા પેથાણી મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મંહેદી બોપલમાં જ રહેતી હતી. ત્યારે તેણે સચીન સાથે પ્રેમ લગ્ન કર્યાની જાણ અમને કરી હતી. જો કે સચિન પરણીત હોવાથી થોડા આચંકો લાગ્યો હતો. બાદમાં બધુ જ સરખુ થઇ જશે. તેમ માનીને અમે આર્શીવાદ આપ્યા હતા. બાદમાં વર્ષ ૨૦૨૦માં તેને શિવાંસનો જન્મ થતા તે ખુશ હતી ત્યારે શિવાંસ મારી પાસે રમતો હતો. જો કે ચાર મહિના પહેલા તે વડોદરા રહેવા માટે ગઇ ત્યારબાદ વિડીયોકોલથી તે મારી સાથે વાત કરતી. જેમાં હું શિવાંસને રમાડતી હતી. તો છેલ્લે સાતમી તારીખે પણ વિડીયો કોલથી ઘણો સમય વાત થઇ હતી. ત્યારે અંદાજ નહોતો કે આ તેની સાથે છેલ્લી વાત છે.

તેમણે ઉમેર્યુ કે મંહેદી સચિનની નાની બાબતોનું ધ્યાન રાખતી હતી. જેમાં તેના માટે મનપસંદ રસોઇ ખાસ બનાવતી. તો શિવાંસની કાળજી લેવા માટે સતત એલર્ટ રહેતી અને તેણે શિવાંસનો ઉછેર સારી રીતે કર્યો. આમ, સચીન ન સારો પ્રેમી, ન સારો પતિ કે ન સારો પિતા બની શક્યો. હવે શિવાંસના ભવિષ્યને લઇને તે સતત ચિંતિત છે.

પત્નિ આરાધનાને સચિનના લગ્નેતર સંબધની જાણ નહોતી

શિવાંસને તરછોડવાના કેસની તપાસ કરી રહેલી પોલીસ માટે અનેક સામાજીક પડકારો પણ હતા. જેમાં આરોપી સચિન દિક્ષિતનો અનૈતિક સંબધથી જન્મેલો શિવાંસ નામનો બાળક હોવાનું અને હવે તેના પતિએ તેની પ્રેમિકાની હત્યા કર્યાની જાણ થતા સચીન દિક્ષીતની પ્રથમ પત્ની ભાંગી પડી હતી. ત્યારે આ ઘટનામાં એક નહી પણ બે પરિવારો બરબાદ થયા છે. આવા સમયે સચીનની પત્ની આરાધના અને તેનો ચાર વર્ષનો પુત્ર ધુ્રવ રઝળી પડયા છે. ત્યારે આઘાતમાં આવીને તે કોઇ અધટિત પગલું ન ભરે તે માટે પોલીસ સતર્ક થઇ ગઇ છે.

ગાંધીનગર જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું કે હાલ સચિનની પત્ની આરાધના અને અન્ય પરિવારજનો આઘાતમાં છે. ત્યારે સ્થિતિ વણસે નહી તે માટે મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સેક્ટર ૨૬ ખાતેના મકાનમા તૈનાત કરાયો છે.તો આરાધના અને નંદકિશોરભાઇના સગાને સાથે રાખીને તેમના માનસિક સધિયારો મળે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. આ બનાવ ખુબ ગંભીર હોવાને કારણે માનસિક દબાણમાં આવીને સચિનની પત્ની આરાધના કોઇ અઘટિત પગલું ન ભરે તે માટે તેમને મનોચિકિસત્કો દ્વારા કાઉન્સીંલીગ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર પોલીસની જીવન આસ્થાનો સ્ટાફ આ કામગીરી કરશે.

Leave a Reply

Your email address will not be published.