India

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત જ્યારે ૪ લોકોને બચાવી લેવાયાં.

 1,599 Total Views

ભારતમાં કોરોના મહામારી સામેના જંગમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતી વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના માંજરી ખાતેના યુનિટમાં આવેલા અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ગુરુવારે બપોરે ૨.૩૦ કલાકની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળતાં જ ૧૫ જેટલાં ફાયરબ્રિગેડનાં વાહનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને આગ બુઝાવવાની તથા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. ૩ કલાકની ભારે જહેમત બાદ ૪.૧૫ કલાકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૪ લોકોને બચાવી લેવાયાં હતાં. પૂણેના મેયર મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિ સંભવતઃ નિર્માણાધીન ઇમારતમાં કામ કરતા શ્રમિક હતા. હજુ સુધી આગ લાગવાનું કારણ સ્થાપિત થઇ શક્યું નથી પરંતુ ઇમારતમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના કારણે આગ લાગ્યાની સંભાવના છે. મહારાષ્ટ્ર સરકારે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂણેના મ્યુનિસિપલ કમિશનર પાસેથી ઘટનાની માહિતી મેળવી રાજ્ય તંત્રને સ્થિતિ નિયંત્રણમાં સુનિશ્ચિત કરવાની સૂચના જારી કરી હતી. ઘટનાસ્થળે એનડીઆરએફની એક ટીમ પણ મોકલી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ જણાવ્યું હતું કે, કોરોનાની રસી બનાવતા એકમમાં આગ લાગી નથી. અહીં બીસીજીની રસીનું નિર્માણ થતું હતું. માંજરીમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન કરાય છે તે યુનિટ આગ લાગી તેઇમારતથી થોડા કિમી દૂર આવેલું છે. સીરમ દ્વારા માંજરી કોમ્પ્લેક્સ ખાતે ભવિષ્યની મહામારીઓેને ધ્યાનમાં રાખીને રસીના ઉત્પાદન માટે ૮થી ૯ ઇમારતોનું નિર્માણ ચાલી રહ્યું છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, પૂણેના માંજરી ખાતે આવેલી સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાની નિર્માણાધીન ઇમારતમાં ચાલી રહેલા વેલ્ડિંગ કામને કારણે આગ ફાટી નીકળી હતી.

કોરોનાની રસી બનાવતા યુનિટને નુકસાન નથી : પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસી બનાવતા યુનિટને કોઇ નુકસાન થયું નથી. રસીના ઉત્પાદનમાં પણ કોઇ ઘટાડો નહીં થાય કારણ કે કંપની પાસે બીજા પ્રોડક્શન યુનિટ ઉપલબ્ધ છે. આવી કોઇપણ ઘટનાને પહોંચી વળવા અમે સંખ્યાબંધ પ્રોડક્શન બિલ્ડિંગ તૈયાર રાખ્યાં છે. અમને જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં કેટલાક લોકોનાં મોત થયાં છે. અમે ઘણા દુઃખી છીએ. મૃતકોના પરિવારોને અમે દિલસોજી પાઠવીએ છીએ. ફેક્ટરીના મેનેજર વિવેક પ્રધાને જણાવ્યું હતું કે,ઇમારતના ત્રીજા માળે આવેલી રોટા વાઇરસ લેબમાં આગ ફાટી નીકળી હતી. અહીં ઇલેક્ટ્રિક અને પાઇપ ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું.

સીરમના એ જ યુનિટમાં સાંજે ફરી આગ ભભૂકી

માંજરી ખાતેના યુનિટમાં લાગેલી આગ ૩ કલાકની જહેમત બાદ બુઝાવ્યા પછી ગુરુવારે સાંજે એજ ઇમારતમાં ફરી આગ ફાટી નીકળી હતી. ખબર મળતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

આગ અકસ્માતે લાગી કે લગાવવામાં આવી? : પ્રકાશ આંબેડકરનો સવાલ

સીરમ ઇન્સ્ટિટયૂટમાં લાગેલી આગ પર સવાલ ઉઠાવતાં ભાજપના ધારાસભ્ય મુક્તા તિલક અને બહુજન વંચિત અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે શંકા વ્યક્ત કરી છે. બંને નેતાએ સવાલ કર્યો હતો કે સીરમ ઇન્સ્ટિટયૂટની નિર્માણાધીન ઇમારતમાં અકસ્માતે આગ લાગી હતી કે પછી જાણીજોઇને આગ લગાડવામાં આવી છે? મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે પહેલી પ્રાથમિકતા આગ બુઝાવવાની છે. બીજા તમામ સવાલોની તપાસ પછીથી કરાશે.

સીરમની આગથી દુનિયા આઘાતમાં બીસીજીની વેક્સિનને નુકસાન પહોંચ્યું

સીરમ ઇન્સ્ટિટયૂટમાં લાગેલી આગના કારણે સમગ્ર વિશ્વ આઘાતમાં છે. સીરમ ઇન્સ્ટિટયૂટ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. વિશ્વના ૬૫ ટકા બાળકોને સીરમ દ્વારા ઉત્પાદિત વિવિધ રોગોની રસી અપાઇ ચૂકી છે. દુર્ઘટનામાં ટીબી માટેની બીસીજી વેક્સિનને નુકસાન થયું હોવાનું મનાય છે. સીરમમાંથી ૧.૫ બિલિયન રસીના ડોઝ વિશ્વમાં પૂરા પડાયા છે. જેમાં પોલિયો, આર-હિપેટાઇટિસ બી, ટિટનસ, ડિપ્થેરિયા, ટીબી વગેરેની વેક્સિનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.