GUJARAT

સેન્સેક્સ 976 પોઈન્ટ ઊછળી 50540 : નિફ્ટી 15175.30

 633 Total Views

સાનુકૂળ પરિબળો પાછળ શેરબજારમાં તેજી

નિફ્ટીમાં 269 પોઈન્ટનો ઊછાળો : રોકાણકારોની સંપતિ રૂા. 2.42 લાખ કરોડ વધીને રૂા. 218.05 લાખ કરોડ

વિદેશી રોકાણકારોની 510 કરોડની ખરીદી

અમદાવાદ : વિવિધ સાનૂકૂળ પરિબળો પાછળ આજે ભારતીય શેરબજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સમાં 976 પોઈન્ટનો અને નિફ્ટીમાં 269 પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. સેન્સેક્સના ઊછાળાના પગલે રોકાણકારોની સંપતિમાં પણ રૂા. 2.42 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

મહામારી તેમજ લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધીઓ રૂંધાતા બેંકિંગ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર થવાની દહેશત વચ્ચે આજે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકે જાહેર કરેલા પરિણામોમાં નફામાં 80 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આ ઉપરાંત બેંકે મે 2017 બાદ પ્રથમ વખત શેર દીઠ રૂા. 4 ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જેની બજાર પર સાનુકૂળ અસર થઈ હતી.

બીજી તરફ કોરોના સંક્રમણમાં ઘટાડો થતા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રતિબંધો હળવા થતાં આર્થિક પ્રવૃતિઓનો ધમધમાટ પુન: શરૂ થયો હતો. બીજી તરફ અર્થતંત્રને વેગ આપવા સરકાર આર્થિક પેકેજ માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર થઈ હતી.

આજે મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મજબૂત ટોને થયા બાદ વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ 50,000ની સપાટી કુદાવી ઝડપથી આગળ વધ્યો હતો અને કામકાજના અંતે 975.62 પોઈન્ટ ઊછળી 50540.48ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

એનએસઈ ખાતે પણ ચોમેરથી નીકળેલ નવી લેવાલીના પગલે કામકાજના અંતે નિફ્ટી 269.25 પોઈન્ટ ઊછળી 15000ની સપાટી કુદાવી 15175.30ની સપાટીએ મજબૂત રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આજે રૂા. 510 કરોડની નવી ખરીદી કરી હતી. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઈ માર્કેટ કેપ.) પણ રૂા. 2.42 લાખ કરોડનો વધારો થતાં અંતે રૂા. 218.05 લાખ કરોડ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.