India

ભારતમાંથી વિદેશ મોકલાઈ રહી છે રૂ. 2 લાખ/કિલોના ભાવની ચિપ્સ, ઈન્ટરપોલ થયું સક્રિય

 1,999 Total Views

ઈન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં રહેતી જ્ઞાનપુરી-બંસરીની ચિપ્સ ભારતના કેટલાક વિસ્તારોમાં 5,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી વેચાય છે. જો કે ભારતીય સરહદ પાર કરવાની સાથે જ તેનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો થઈ જાય છે. ઉત્તર પ્રદેશ STFની ટીમે આ પ્રકારની ચિપ્સ બનાવતા લોકોની તપાસ હાથ ધરી છે. કાચબાઓની તસ્કરી કરી રહેલા લોકોની તપાસ કરી રહેલી ટીમના કહેવા પ્રમાણે હવે ઈન્ટરપોલ પણ આ મામલે સક્રિય થયું છે. ઉત્તર પ્રદેશના ઈટાવા અને પશ્ચિમ બંગાળના 24 પરગણામાં આ પ્રકારની ખાસ ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. જ્ઞાનપુર-બંસરી નામની એક જગ્યાના આધાર પર કાચબાઓની 3 ખાસ પ્રજાતિને જ્ઞાનપુરી-બંસરી કહેવામાં આવે છે જે સૌથી વધારે ઈટાવા ખાતેથી મળી આવે છે. આ વિસ્તાર રાષ્ટ્રીય ચંબલ સેન્ચ્યુરીમાં આવેલો છે અને તેમ છતા આ વિસ્તારમાંથી મોટા પાયે કાચબાઓની તસ્કરી થઈ રહી છે.

પર્યાવરણવિદ અને ગંગા અભિયાન સાથે જોડાયેલા રાજીવ ચૌહાણે આ તસ્કરીનો ખુલાસો કરતા જણાવ્યું કે, ચંબલ નદી સાથે જોડાયેલા આગ્રાના પિનહાટ અને ઈટાવાના જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઈન્ડિકા પ્રજાતિના કાચબા મળી આવે છે જેનો ચિપ્સ બનાવવામાં ઉપયોગ થાય છે. કાચબાના પેટની ચામડીને પ્લાસ્ટ્રોન કહે છે જેમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે.

પ્લાસ્ટ્રોનને કાપીને અલગ કરવામાં આવે છે અને પછી તેને ઉકાળીને સુકવવામાં આવે છે. ત્યાર બાદ તેને બંગાળના રસ્તે વિદેશોમાં મોકલી દેવામાં આવે છે. ઉનાળા દરમિયાન પ્લાસ્ટ્રોનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે જ્યારે શિયાળામાં જીવંત કાચબાઓની જ તસ્કરી કરવામાં આવે છે કારણ કે, શિયાળામાં તસ્કરી કરવામાં કોઈ અડચણ નથી આવતી.

2 લાખ રૂપિયે કિલોના ભાવે વેચાય છે ચિપ્સ

રાજીવ ચૌહાણના કહેવા પ્રમાણે સ્થાનિક તસ્કરો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર કાચબાને પકડી તેમાંથી ચિપ્સ બનાવનારાઓ જ્ઞાનપુરી અને બંસરી ખાતેથી પકડાયેલા નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઈન્ડિકા કાચબાઓની ચિપ્સ 5,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે. ઈટાવા-પિનહાટ ખાતેથી આ ચિપ્સ 24 પરગણા મોકલવામાં આવે છે અને ત્યાંથી તેનું થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં સ્મગલિંગ થાય છે.

તસ્કરોના કહેવા પ્રમાણે આ 3 દેશોમાં પહોંચતા જ ચિપ્સ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેચાવા લાગે છે. એક કિલો વજનના કાચબામાંથી 250 ગ્રામ જેટલી ચિપ્સ મળે છે. દેશમાં આ પ્રકારની ગતિવિધિઓ સામે જે પ્રકારે કડક પગલા લેવાય છે તેના કારણે હવે તસ્કરી પર થોડા અંશે લગામ કસાઈ છે અને તેથી જ ઈન્ટરનેશનલ માર્કેટમાં ચિપ્સનો ભાવ 2 લાખ કરતા પણ વધી ગયો છે.

ચિપ્સ ખાવા પાછળની ધારણા

રાજીવ ચૌહાણના કહેવા પ્રમાણે જ્યારે તસ્કરો પાસેથી કાચબાઓનો આ પ્રકારે ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ્ય જાણવામાં આવ્યો તો ખૂબ જ ચોંકાવનારી વાત જાણવા મળી હતી. થાઈલેન્ડ, સિંગાપુર અને મલેશિયા સહિત અનેક દેશોમાં તેને સેક્સ પાવર વધારવા ખાવા કે પીવામાં આવે છે. પ્લાસ્ટ્રોન ચિપ્સને ચિપ્સ પાપડ તરીકે પણ ખાવામાં આવે છે અને તેને ઉકાળીને સુપ પણ બનાવવામાં આવે છે. આ તરફ પશ્ચિમ બંગાળમાં તેનું માંસ 400 રૂપિયા કિલો સુધીના ભાવે વેચાય છે.

Leave a Reply

Your email address will not be published.