622 Total Views
ચીનની સાથે જ્યારે સરહદ પર તણાવની સ્થિતિ બની છે ત્યારે ભારતીય સેનાની શક્તિ વધુ મજબૂત થવાની છે. જે લડાકુ વિમાનની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે રાફેલ વિમાન હવે બસ ગણતરીના કલાકોમાં ભારત પહોંચી જશે. ફ્રાન્સ સાથે થયેલા સોદાની અંતર્ગત રાફેલ લડાકુ વિમાનોની પહેલી ખેપ બુધવાર સવારે ભારત પહોંચશે. સોમવારના રોજ તમામ પાંચ વિમાને ફ્રાન્સથી રવાના થયા. સાત કલાકની મુસાફરી કરીને UAE પહોંચ્યા અને પછી ત્યાંથી ભારત માટે ઉડાન ભરશે.
ભારતને સત્તાવાર રીતે આ તમામ રાફેલ ગયા વર્ષે મળી ગયા હતા જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ફ્રાન્સ પહોંચીને પૂજા-અર્ચનાની સાથે વિધિવત રીતે તેનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી ભારતીય વાયુસેનાના અધિકારી ટ્રેનિંગ લઇ રહ્યા હતા. હવે તેની પહેલી ખેપ મળવા જઇ રહી છે. ભારતીય વાયુસેનાના મતે તેને હજુ અંબાલા બેઝ સ્ટેશન પર રખાશે આથી બુધવારના રોજ તમામ વિમાન અહીં પહોંચશે.
ગણતરીના કલાકોમાં સાત હજાર કિલોમીટરનું અંતર
ફ્રાન્સથી ભારતની સફર પણ રાફેલ માટે સરળ નથી. કારણ કે કુલ 7000 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અંબાલા બેઝ પર પહોંચશે. આથી જ ઉડાન ભર્યા બાદ રાફેલમાં હવામાં ઇંધણ ભરાયું ત્યારબાદ એક સ્ટોપ UAE બેઝ પર લેવાયું. ત્યારબાદ ત્યાંથી બુધવારના રોજ ભારત માટે રવાના થશે.
તૈયાર છે અંબાલા એરબેઝ
અંબાલા એરબેઝને પણ રાફેલના આગમનના હિસાબથી તૈયાર કરી દેવાયું છે. રાફેલ વિમાનોના ભારત આગમનને ધ્યાનમાં રાખતા અંબાલા એરબેઝ માટે સુરક્ષાનો બંદોબસ્ત કરી દેવાયો છે. અંબાલા એરબેઝના 3 કિલોમીટરના દાયરાને નો ડ્રોન ઝોન જાહેર કરી દેવાયો છે. એરબેઝના 3 કિલોમીટરના દાયરામાં ડ્રોન કે બીજી કોઇપણ પ્રકારની ઉડાન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઇ તેનું ઉલ્લંઘન કરે છે તો તેના પર એકશન લેવાશે.
ખૂંખાર રાફેલની મારક ક્ષમતા જાણવા જેવી ખરી
ઉલ્લેખનીય છે કે રાફેલની હાલના સમયમાં દુનિયાના સૌથી શાનદાર લડાકુ વિમાનોમાં ગણતરી થાય છે. રાફેલ એક મિનિટમાં 18000 મીટરની ઊંચાઇ પર જઇ શકે છે. રાફેલમાં ત્રણ પ્રકારની મિસાઇલો લાગશે. હવાથી હવામાં માર કરનાર મીટિયોર મિસાઇલ. હવાથી જમીનમાં માર કરનાર સ્કૈલપ મિસાઇલ. ત્રીજી હૈમર મિસાઇલ. આ મિસાઇલોથી લેસ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે.
રાફેલમાં મીટિયોર મિસાઇલ 150 કિલોમીટર અને સ્કાલપ મિસાઇલ 300 કિલોમીટર સુધી મારક ક્ષમતા છે. જ્યારે HAMMR એક એવી મિસાઇલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે કરાય છે. આ મિસાઇલ આકાશથી જમીન પર પ્રહાર કરવા માટે કારગર સાબિત થઇ શકે છે.
રાફેલની પહેલી ખેપ : એટ એ ગ્લાન્સ
- રાફેલની પહેલી ખેપ ફ્રાન્સના મેરિજનાક બેસ પરથી 7000 કિમીનું અંતર કાપીને ભારતના અંબાલામાં લેન્ડ કરશે
- આખી સફર દરમિયાન કલાકના લગભગ 1000 કિમીની ઝડપે ઉડાણ ભરશે. જોકે રાફેલની વધારેમાં વધારે સ્પીડ 2222 કિમી પ્રતિ કલાકની છે.
- રાફેલમાં અત્યાધુનિક મિસાઇલ અને ઘાતક બોંબ લગાડાયા છે.
- દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ અને સેમિ સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ
- હવામાંથી હવામાં જ ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ મિટિયર અને સ્કાલ્પ પણ રાફેલમાં લગાડાઈ છે.
- રાફેલ પરમાણુ હુમલો કરવા માટે પણ સક્ષમ છે.
- 100 કિમીના વ્યાપમાં પણ ટાર્ગેટને શોધીને તેનો ખાતમો બોલાવી શકે છે.
દુશ્મન જો ગુસ્તાખી કરશે તો…
ઉલ્લેખનીય છે કે મે મહિનાથી ભારત અને ચીનની સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે રાફેલના પહેલા જથ્થાની તૈનાતી અંબાલામાં જ કરાય રહી છે જો કે ચીન બોર્ડરથી 300 કિલોમીટરના અંતર પર જ છે. એવામાં જો જરૂર પડી તો ગણતરીની મિનિટોમાં જ રાફેલને બોર્ડર પર પહોંચાડી શકાય છે. એટલે જો દુશ્મન કોઇ ગુસ્તાખી કરે છે તો તેના પર એકશન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતને ફ્રાન્સથી કુલ 36 રાફેલ વિમાન મળવાના છે. જેમાંથી 5 અત્યારે મળી રહ્યા છે. શરૂઆતમાં 10 રાફેલ વિમાન આ વર્ષે મળવાની સંભાવનાઓ છે જ્યારે તમામ 36 વિમાનોની ડિલિવરી 2021 સુધીમાં પૂરી થઇ શકે છે.