India

ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, જીવ આપી દઇશું, પરંતુ આંદોલન ખત્મ નહીં કરીએ.

 1,219 Total Views

કૃષિ કાયદાઓ ની વિરુદ્ધ દિલ્હી-ઉત્તર પ્રદેશ ની ગાઝીપુર બૉર્ડર પર બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન ને ગુરૂવારના યૂપી સરકારે બોરિયા-બિસ્તર સમેટવાનું અલ્ટીમેટમ આપી રાખ્યું હતુ. આંદોલન સ્થળ પર પોલીસ તેમજ ફૉર્સની હાજરી અને યોગી સરકાર દ્વારા આંખ બતાવતા જ પશ્ચિમ યૂપીનો રાજકીય પારો વધ્યો છે. ગાઝીપુર બૉર્ડર પર ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, જીવ આપી દઇશું, પરંતુ આંદોલન ખત્મ નહીં કરીએ. આટલું કહેતા જ થોડીકવારમાં માહોલ બદલાઇ ગયો.

નરેશ ટિકૈતે આરપારની લડાઈની જાહેરાત કરી

ગાઝીપુર બૉર્ડર પર ટિકૈતની આંખમાંથી ટપકેલા આંસુઓ બાદ 115 કિમી દૂર મુઝફ્ફરનગરમાં બેઠેલા ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ અને તેમના મોટાભાઈ નરેશ ટિકૈતે ઉત્તર પ્રદેશ સરકાર સામે આરપારની લડાઈની જાહેરાત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ યૂપીનો વધતો રાજકીય પારો અને માથા પર પંચાયત ચૂંટણીને જોતા યોગી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને ખેડૂત આંદોલનની વિરુદ્ધ એક્શનથી પગ પાછા ખેંચવા પડ્યા.

સિસૌલી ગામમાં ખેડૂત પંચાયત બોલાવવામાં આવી

ગાઝીપુર બૉર્ડર પર ગુરૂવારના યૂપી પોલીસ અને ફૉર્સની ઘેરાબંધી બાદ રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે, આત્મહત્યા કરી લઇશ, પરંતુ આંદોલન સમાપ્ત નહીં થાય અને તેઓ રડવા લાગ્યા. રાકેશ ટિકૈતના નિવેદન બાદ મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં ખેડૂત પંચાયત બોલાવવામાં આવી. યૂપી સરકારની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ગુરૂવાર બપોર સુધી આંદોલન ખત્મ કરવાની વાત કરનારા નરેશ ટિકૈતે યૂટર્ન લઈ લીધો. તેમણે કહ્યું કે, જો રાકેશ ટિકૈતની ધરપકડ થાય છે તો એક લાખ ખેડૂતો પણ સરેન્ડર કરશે.

જાટ સમુદાય બીજેપીની કોર વોટબેંક

મુઝફ્ફરનગરમાં થનારી મહાપંચાયતમાં પશ્ચિમી યૂપીની સાથે સાથે હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનના લોકો પણ સામેલ થઈ શકે છે. આ પાછળ એક મોટું કારણ એ છે કે નરેશ ટિકૈત ભારતીય કિસાન યૂનિયનની સાથે સાથે બલિયાન ખાપના પણ પ્રમુખ છે. બલિયાન ખાપ પશ્ચિમી યૂપીમાં જાટોની સૌથી મોટી ખાપ પંચાયત છે. 2013માં મુઝફ્ફરનગર રમખાણો બાદ જાટ સમુદાય બીજેપીની કોર વોટબેંક માનવામાં આવે છે, જેના કારણે ચૌધરી અજિત સિંહની રાજનીતિ ખૂણામાં ધકેલાઈ ગઈ છે. રાકેશ ટિકૈતના આંસુઓને જાટ સમુદાયની વચ્ચે પોતાની અસ્મિતાનો પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

2008માં માયાવતી સરકાર સત્તાથી બેદખલ થઈ હતી

ગાઝીપુર બૉર્ડર પર સાંજ સુધી જે ભીડ વીખેરાઈ રહી હતી એ પાછી આવવા લાગી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના તમામ જાટ નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં ખુલીને આવવા લાગ્યા.શુક્રવારના મુઝફ્ફરનગરમાં થનારી પંચાયત પશ્ચિમ યૂપી જ નહીં, પરંતુ યૂપીની રાજકીય તકદીરનો નિર્ણય કરશે. ખેડૂતોમાં ફક્ત જાટ જ નહીં, પરંતુ તમામ જાતિના લોકો આવે છે અને પંચાયતમાં તમામ લોકો સામેલ થઈ રહ્યા છે. આવી જ પંચાયત 2008માં પણ મુઝફ્ફરનગરમાં થઈ હતી અને માયાવતી સરકારે સત્તાથી બેદખલ થવું પડ્યું. રાકેશ ટિકૈતના સમર્થનમાં જાટ સમુદાયના લોકો ખુલીને આવતા યોગી સરકાર બેકફૂટ પર નજર આવી રહી છે.

પશ્ચિમ યૂપીમાં 17 ટકા જેટલી વસ્તી જાટોની

એટલું જ નહીં જો રાકેશ ટિકૈત સામે રાતમાં કોઈ એક્શન લેવામાં આવી હોત તો પશ્ચિમી યૂપીમાં બીજેપીના રાજકીય સમીકરણ બગડવાનો ખતરો વધી શકતો હતો. પંચાયતની ચૂંટણી માથા પર છે અને તેને જીતવા માટે બીજેપી સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયની વસ્તી 4 ટકા છે, જ્યારે પશ્ચિમ યૂપીમાં 17 ટકા જેટલી છે. આ ઉપરાંત પ્રદેશમાં 14 જાટ ધારાસભ્યો છે. જો અહીંથી બીજેપીના હાથમાંથી જાટ છટકે છે તો પંચાયત ચૂંટણીમાં જ નહીં, પરંતુ 2022 માટે ચિંતાનો વિષય બની શકે છે.

Leave a Reply

Your email address will not be published.