727 Total Views
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ 20 સપ્ટેમ્બરના રોજ કૃષિ બિલને પસાર કરવા દરમ્યાન વિપક્ષી સાંસદોની તરફથી કરાયેલા અનિયંત્રિત વ્યવહારની વિરૂદ્ધ 24 કલાક માટે ઉપવાસ રાખશે. બીજીબાજુ રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદ આખી રાત ગાંધી પ્રતિમા સામે ધરણા પર બેસી રહ્યા. મંગળવાર સવારે ખુદ ડેપ્યુટી ચેરમેન હરિવંશ પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક થેલી લાવ્યા હતા જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશે પોતાના હાથે ચા કાઢી. જો કે વિપક્ષી સાંસદોએ ચા પીવાની ના પાડી દીધી. તેમણે આ સાંસદો સાથે ઉષ્માભેર વાત કરી જેમાંથી કેટલાંકનો વ્યવહાર રવિવારે તેમના પ્રત્યે સારો નહોતો.
ડેપ્યુટી ચેરમેન હરિવંશ આ બધા સાંસદો માટે ચા લઈને આવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના વ્યવહારના વખાણ કર્યા છે. પીએમ મોદીએ લખ્યું કે જેમણે થોડાંક દિવસો પહેલા તેમનું અપમાન કર્યું હતું, હવે હરિવંશજી તેમના માટે ચા લઈને પહોંચ્યા છે.
પીએમ મોદીએ મંગળવારે સવારે ટ્વિટ કર્યું હતું કે બિહાર સદીઓથી દેશને લોકશાહીની શક્તિનો અહેસાસ કરાવી રહ્યું છે. આજે સવારે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ જી એ જે રીતે વ્યવહાર કર્યો છે તે લોકશાહીના ચાહકોને ગર્વ મહેસૂસ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટવીટમાં લખ્યું છે કે જે સાંસદોએ તેમના પર હુમલો કર્યો અને અપમાન કર્યું અને હવે ધરણા પર બેઠા છે, તેમને જ હરિવંશ જી ચા આપવા માટે પહોંચ્યા. આ તેમના મોટા મનને દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આ તેમની મહાનતાને દેખાડે છે, આખા દેશની સાથે પણ હું પણ તેમને અભિનંદન આપું છું.
આપને જણાવી દઇએ કે કૃષિ બિલ પર ચર્ચા દરમ્યાન વિરોધી પક્ષોએ રાજ્યસભામાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સમયગાળા દરમ્યાન કેટલાંક સાંસદોએ ડેપ્યુટી ચેરમેનના ટેબલ પર કાગળો ફાડ્યા, માઇક તોડી નાંખ્યા હતા. સાથો સાથ ડેપ્યુટી ચેરમેન પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ એક અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો.
આ અંગે કાર્યવાહી કરતાં રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ તમામ સાંસદો સોમવાર સાંજથી સંસદ પરિસરમાં ધરણા પર બેઠા છે. બધા સાંસદો આખી રાત સંસદ સંકુલની બહાર બેસી રહ્યા. હવે તમામ વિપક્ષી સાંસદો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, સાથો સાથ કૃષિ બિલને સિલેકટેડ કમિટીમાં મોકલવાની માંગણી કરી રહ્યા છે.