Corona-live GUJARAT

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટને મળી મંજૂરી, કોરોનાથી મૃત્યુ શા માટે થયું તે જાણવા ડેડબોડીનું કરાશે મેડિકલ રિસર્ચ

 513 Total Views

ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસના દર્દીઓના મોતને લઈને સરકાર ચિંતિત છે, ત્યારે રાજકોટમાં કોરોનાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે કોપોના દર્દીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણના ટૂંકાગાળામાં કોઈ દર્દીનું મોત થયું હોય તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કરાશે. તેના માટે પરિવારજનોની મંજૂરી લેવામાં આવશે, અને મંજૂરી મળ્યા બાદ જેતે દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ સંશોધનમાં વાયરસની તીવ્રતા, શરીર પર તેની અસરો જાણી શકાશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં આ પ્રકારનું સંશોધન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખતરનાક તબક્કામાં પહોંચ્યું છે અને કોરોનાથી મૃત્યુદર પણ ઉંચો જતા આરોગ્ય તંત્ર ચિંતામાં મૂકાયું છે અને કોરોનાને ખાળવા માટે ખુદ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં કેમ્પ કર્યો છે અને સીએમ વિજય રૂપાણી દરરોજ મોનિટરિંગ કરી રહ્યા છે ત્યારે હવે કોરોનાની શરીર ઉપર થતી અસરો શોધીને સારવારમાં ફેરફાર કરવા માટે કોરોનાથી મૃત્યું પામેલા દર્દીની પેથોલોજીકલ ઓટોપ્સી કરવા માટે નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં આવી ઓટોપ્સી પ્રથમ વખત થવાની છે.

જ્યારે સમગ્ર દેશમાં અગાઉ ભોપાલ એઈમ્સ ખાતે આવી ઓટોપ્સી થઈ ચૂકી છે ત્યારે દેશમાં આ બીજો પ્રયોગ રાજકોટ પીડીયુ મેડીકેલ કોલેજ ખાતે હાથ ધરાયો છે. આ માટે ખાસ ઓટોપ્સી રૂમ તૈયાર કરાયો છે જેની મુલાકાત આજે જયંતિ રવિ, ખાસ ફરજ પરના અધિકારી રાહુલ ગુપ્તા, કલેક્ટર રૈમ્યા મોહન, સિવિલ સુપ્રિટેન્ડેટ પંકજ બુચે લીધી હતી. મેડીકલ કોલેજના ફોરેન્સિક હેડ ડો. હેતલ કયાડા દ્વારા આ અંગે તેમને વિગતો આપવામાં આવી હતી.

ડો.કયાડાએ જણાવ્યું હતું કે, કોવિડ 19એ નવતર બિમારી છે અને તેની ઉપર વધુ સંશોધનો થઈ શક્યા નથી. જો દર્દીની પેથોલોજીક ઓટોપ્સી કરવામાં આવશે તો કોરોનાની અસર કયા અંગ ઉપર કેવી થઈ છે તે જાણી શકાશે અને તેના આધારે સારવારમાં પણ ફેરફાર થઈ શકશે. આ માટે એવા મૃત પેશન્ટની ડેડબોડીનો ઉપયોગ થશે જેણે પાંચ દિવસથી વધુ સમય હોસ્પિટલમાં સારવાર લીધી હોય અને અન્ય કોઈ પ્રકારની બિમારી ધરાવતો નહીં હોય. ઓટોપ્સી કરીને સેમ્પલ લેવાશે અને ત્યારબાદ પ્રોટોકોલ પ્રમાણે દર્દીની અંતિમ વિધી કરાશે.

Leave a Reply

Your email address will not be published.