GUJARAT

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

 610 Total Views

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલું રહી શકે છે.

ઓગસ્ટ મહિનાની સાથે રાજ્યમાંથી જાણે ધોધમાર વરસાદે પણ વિરામ લઈ લીધો હોય તેમ દિવસે ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે. એક મહિના સુધી રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેવા છતાં બફારો અને ઉકળાટ ઓછો થતો નથી. ત્યારે ભાદરવાની આ ગરમી વચ્ચે ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 10મી સપ્ટેમ્બરને ગુરુવારથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થશે. હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, તા.10મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડશે. તા.11 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડશે. તા.12 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના વિરામ પછી મહત્તમ તાપમાનનો પારો પણ ઊંચકાયો છે. સોમવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34.9ડિગ્રી, ગાંધીનગરમાં 33.5 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 35.4 ડિગ્રી, અમરેલીમાં 34.8 ડિગ્રી, ભાવનગરમાં 35.1 ડિગ્રી તેમજ રાજકોટમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ઊંચકાતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતા ઉકળાટ વધતાં લોકો પરસેવે રેબઝેબ પણ થવા લાગ્યા છે.

આ વર્ષે ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક 25.78 ઇંચ વરસાદ પડયો

ચાલુ વર્ષે રાજ્યમાં સિઝનનો 121 ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જોકે આ વખતે ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ બ્રેડ 25.78 ટકા વરસાદ વરસ્યો છે. જે છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. રાજ્યમાં સિઝનનો 33.24 ઈંચ જેટલો સરેરાશ વરસાદ વરસે છે. જેની સરખામણીમાં એકલા ઓગસ્ટ મહિનામાં 77.55 ટકા વરસાદ વરસ્યો છે. આમ ઓગસ્ટ મહિનાના ધોધમાર વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ છલકાતાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

છેલ્લા 6 વર્ષમાં ઓગસ્ટમાં પડેલ વરસાદ (ઈંચમાં)

વર્ષ વરસાદ

2015 1.38 ઈંચ

2016 11.34 ઈંચ

2017 7.29 ઈંચ

2018 5.86 ઈંચ

2019 17.86 ઈંચ

2020 25.78 ઈંચ

Leave a Reply

Your email address will not be published.