Sports

IPLના સ્પોન્સર DREAM 11નો થવા લાગ્યો વિરોધ, આ સંગઠને કહ્યું- ભારતીય લોકોની ભાવનાઓની ઉપેક્ષા કરી

 371 Total Views

ચીન સાથેના સીમા વિવાદ બાદ થયેલ અથડામણમાં ભારતીય સૈનિકો શહીદ થતાં દેશભરમાં ચીન વિરોધી માહોલ છે. અને આ જ માહોલને કારણે આઈપીએલના સ્પોન્સર તરીકે વિવોને આ વર્ષ માટે હટાવી દેવામાં આવ્યું છે. પણ તેના સ્થાને સ્પોન્સર બનેલ ડ્રીમ 11 સામે પણ હવે દેશમાં વિરોધના સૂર ઉઠી રહ્મા છે. કેમ કે, દેશવાસીઓને લાગ્યું હતું કે, વિવોની જગ્યાએ કોઈ સ્વદેશી કંપની સ્પોન્સર બનશે. પણ આ ડ્રીમ 11 કંપનીમાં પણ ચીનની કંપનીનું રોકાણ સામે આવ્યું છે. જેને લઈ હવે બીસીસીઆઈ સામે ફરીથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રિટેલ કારોબારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આઈપીએલના ટાઈટલ સ્પોન્સરમાં કથિત રીતે ચીનના રોકાણકારોની ભાગીદારી હોવાને કારણે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મામલે બીસીસીઆઈને પત્ર પણ લખ્યો છે. CAITએ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખીને કહ્યું કે, અમને એ જાણીને ખુબ જ દુઃખ થઈ રહ્યું છે કે, હવે ડ્રીમ 11ને આઈપીએલ 2020ના સ્પોન્સર તરીકે પસંદ કરવામાં આવી છે, જેમાં ચીનની કંપની ટેનસેંટ ગ્લોબલ પ્રમુખ શેરધારકોમાંથી એક છે.

CAITએ ડ્રીમ ઈલેવનને આઈપીએલના ટાઈટલ સ્પોન્સરના અધિકાર આપવા મામલે કહ્યું કે, અમે એ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે ડ્રીમ 11ને સ્પોન્સરશિપ આપવી એ બીજુ કાંઈ નહીં પણ ચીનની સામે ભારતનાં લોકોની ભાવનાઓની ઉપેક્ષા કરવા બરાબર છે. કૈટ ચીની સામાનના બહિષ્કારના અભિયાનની આગેવાની કરી રહ્યું છે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો સાથે થયેલ હિંસક અથડામણ બાદ ચીની વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે.

CAITનું માનવું છે કે, ડ્રીમ 11નું સંચાલન કરતી Sporta Technologies Private Limited કંપની છે તો મુંબઈની, પણ આ કંપનીમાં સ્ટીડવ્યૂ કેપિટલ અને ટેનસેંટ હોલ્ડિંગ્સે કરોડો રૂપિયાનું રોકાણ કરેલું છે. અને આ બંને કંપનીઓ મૂળ ચીનની છે. આ કંપનીઓ ડ્રીમ ઈલેવનની સાથે ભારતમાં બાયઝૂસ, ફ્લિપકાર્ટ, ઓલા અને હાઈક જેવી કંપનીઓમાં રોકાણ કરી ચૂકી છે. તેવામાં વિવોને હટાવીને ફરી એકવાર આઈપીએલના ટાઈટલ સ્પોન્સરમાં ચીની કનેક્શન સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.