912 Total Views
કોરોના કટોકટીમાં ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકાર આશરે 1.5 લાખ કરોડ રૂપિયાના વધુ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે 12.30 વાગ્યે એક પત્રકાર પરિષદને સંબોધન કરશે. એવી અપેક્ષા છે કે તેમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે.
સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ગુરુવારે જ આ પેકેજને અંતિમ સ્વરૂપ આપશે. આ પેકેજમાં રોજગાર અને મુશ્કેલીગ્રસ્ત ક્ષેત્રને રાહત આપવા પર ભાર આપી શકાય છે.
કેમ આવી રહ્યું છે નવું રાહત પેકેજ
સૂત્રોએ આ પેકેજ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી પરંતુ જણાવ્યું હતું કે તેનો હેતુ મુશ્કેલીમાં મુકાયેલા ક્ષેત્રને રાહત આપવાનો છે. તેમજ રોજગાર પેદા કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPમાં લગભગ 24 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે સરકારે અર્થતંત્રને રાહત આપવા માટે અનેક રાહત પેકેજોની જાહેરાત કરી છે. પરંતુ આ તમામ રાહત પેકેજો અર્થવ્યવસ્થામાં સુધારણાનાં કોઈ સંકેતો બતાવી રહ્યા નથી. જોકે તાજેતરમાં અર્થશાસ્ત્રમાં કેટલાક સૂચકાંકો ખૂબ જ સકારાત્મક રહ્યા છે, પરંતુ તેને તહેવારની સિઝનમાં તાત્કાલિક લાભ માનવામાં આવે છે. અત્યારે મુસાફરી, સર્વિસ સેક્ટર્સ જેવા ઘણા ક્ષેત્રોની હાલત ખૂબ ખરાબ છે.
બુધવારે જ સરકારે 10 ક્ષેત્રના ઉત્પાદકો માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) ની જાહેરાત કરી છે. દેશને હજી સુધી કોરોના કટોકટીથી આઝાદી મળે તેવું લાગતું નથી. રાજધાની દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ કેસ બહાર આવ્યા છે. અન્ય ઘણા શહેરોમાં પણ કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળ્યો છે.