GUJARAT

નવા બજેટની તૈયારીનો ધમધમાટ શરુ, અમદાવાદના સ્માર્ટસિટી સહિતના ૮૦૦ કરોડના પ્રોજેકટ સ્થગિત કરવા પડયા હતા

 636 Total Views

વિકાસ કામો માટે કોન્ટ્રાકટરોને ૨૪૫ કરોડની રકમ ચૂકવવાની બાકી,ટેકસ વિભાગને કર દરખાસ્ત તૈયાર કરવા સુચના અપાઈ
અમદાવાદ,રવિવાર,17 ઓકટોબર,2021

વર્ષ-૨૦૨૦-૨૧માં કોરોના મહામારીના કારણે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી સહિતના ૮૦૦ કરોડના પ્રોજેકટ સ્થગિત કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.દોઢ વર્ષથી વધુના સમયમાં વિવિધ વિસ્તારોમાં પુરા થયેલા વિકાસ કામો માટે કોન્ટ્રાકટરોને મ્યુનિ.તંત્રે રુપિયા ૨૪૫ કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વર્ષના બજેટની તૈયારીનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.ટેકસ વિભાગને કર દરખાસ્ત તૈયાર કરવા સુચના આપવામાં આવી છે.મ્યુનિ.ના તમામ વિભાગોને ૨૨ નવેમ્બર સુધીમાં આવક અને ખર્ચના સુધારેલા અંદાજો બજેટ વિભાગને મોકલવા તાકીદ કરવામાં આવી છે.

૧૨ ઓકટોબરે મ્યુનિ.ના નાણાં વિભાગે વર્ષ-૨૦૨૨-૨૩નું નવુ બજેટ તૈયાર કરવા અંગે સરકયુલર કર્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનું મુખ્ય સ્તોત્ર મિલ્કતવેરા સહિતના તમામ ટેકસની આવક છે.આ કારણથી ટેકસ વિભાગને છેલ્લા ત્રણ વર્ષમાં ખરેખર થયેલી ટેકસની આવક ઉપરાંત થયેલી વસુલાતની વિગતો મોકલી આપવા ઉપરાંત પાછલા વર્ષની બાકી, વર્તમાન વર્ષની ડીમાન્ડ તથા કેટલી રકમ રીફંડ પેટે કરદાતાઓને આપવામાં આવી તે તમામ વિગતો બજેટ વિભાગને મોકલવી પડશે.ઉપરાંત નવા વર્ષ માટે કર દરખાસ્ત તૈયાર કરી સક્ષમ સત્તાની મંજુરી મેળવવી પડશે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,માર્ચ-૨૦૨૦માં શરુ થયેલી કોરોના મહામારીની વચ્ચે મ્યુનિ.ની આવક ઉપર અસર થતા ગત વર્ષે ૮૦૦ કરોડના પ્રોજેકટો કેટલાક સમય માટે સ્થગિત રાખવાની તંત્રે જાહેરાત કરી હતી.જેની કળ હજુ સુધી વળી નથી.આ કારણથી એસ્ટેટ વિભાગ સહીતના તમામ વિભાગોને વર્ષ-૨૦૨૧-૨૨ની સરખામણીમાં વર્ષ-૨૦૨૨-૨૩ના વર્ષ માટેની અંદાજીત આવકમાં વધારા-ઘટાડાની વિગત દર્શાવવી પડશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા સમાવવામાં આવેલા બોપલ-ઘુમા,કઠવાડા સહિતના વિસ્તારોમાંથી નવા નાણાંકીય વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેકસ પેટે અથવા બેટરમેન્ટ ચાર્જ પેટે વધુ આવક મળી રહે એ માટે પણ આયોજન કરવા સુચના આપવામાં આવી છે.

કયા-કયા પ્રોજેકટ સ્થગિત કરાયા હતા?
-નહેરુનગર-પાલડી ખાતે ટ્રીપલ ટાયરબ્રીજ
-આઠ મલ્ટીલેવલ પાર્કીંગના પ્રોજેકટ
-૩૦૦ ફીડર બસો ખરીદવાની દરખાસ્ત
-નવા બ્રીજ,અંડરબ્રીજના પ્રોજેકટ
-કોમ્યુનિટી હોલ,સ્પોર્ટસ કોમ્પલેકસ
-ટી.પી.સ્કીમ.ના નવા રસ્તા ખોલવા અંગે
-સ્માર્ટ સિટી અંતર્ગતના પ્રોજેકટ
-જશોદાનગર-વાંચ ગામ વચ્ચે કોરીડોર

Leave a Reply

Your email address will not be published.