GUJARAT

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજસંકટ ઘેરૂં બન્યું : ખેડૂતો રોષમાં, સરકાર મૂંઝાઇ

 610 Total Views

રવી સિઝન વખતે જ માત્ર 3-4 કલાક વીજળી મળે છે

કૃષિમંત્રી રાઘવજીએ કહ્યું, ખેડૂતોને પંદર દિવસ સાચવી લો, નહીંતર મત વિસ્તારમાં જઇ શકીશું નહીં : રૂા.500 કરોડના કૃષિ રાહત પેકેજ પર પાણી ફરી વળે તેવી દશા

અમદાવાદ : ટૌટે વાવાઝોડા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી થપાટ ખાઇ ચૂકેલાં ખેડૂતોના માથે હવે વીજસંકટ આવ્યુ છે. રવીસિઝન વખતે જ પુરતી વીજળી ન મળતા ખેડૂતોની ચંતામાં વધારો થયો છે.

વાવેતરના સમયે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર 3-4 કલાક વીજળી મળે છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પુરતા પ્રમાણમાં વીજળી ન મળતાં રોષે ભરાયેલાં ખેડૂતો હવે વિજ સ્ટેશનનો ઘેરાવો અને રજૂઆતો કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે જેથી નવી સરકારની મૂંઝવણ વધી છે.

ગુજરાતમાં કોલસાના કારણે વીજસંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે જેથી વીજકાપ કરવો પડી રહ્યો છે. રવિ સિઝનમાં પ્રારંભમાં જ વિજકાપને કારણે અત્યારે માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળી રહી છે. જૂનાગઢમાં માંડોદરામાં ખેડૂતોને વીજ સ્ટેશન પર ધામા નાંખ્યા હતાં અને વીજ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

અરવલ્લી, મહેસાણા અને ઉંઝામાં ખેડૂતોએ પુરતા પ્રમાણમાં વીજળી આપવા રજૂઆત કરી હતી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ખેડૂતોને પુરતી વીજળી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અપુરતી વીજળીને કારણે વાવેતર પર અસર થઇ રહી છે. અત્યારે તો માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળે છે જેથી ખેડૂતો રોષે ભરાયાં છે.

આ તરફ, વીજસંકટ ઘેરૂ બનતાં ખેડૂતો જ નહીં, ભાજપના આગેવાનોએ કૃષિ મંત્રીને ફોન કરી રજૂઆતો કરવા માંડી છે. આ ફરિયાદો આધારે કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતીકે, ખેડૂતોને પંદરેક દિવસ પુરતી વીજળી આપીને સાચવી લો, નહીંતર મત વિસ્તારમાં ય જઇ શકીશુ નહીં. કૃષિમંત્રીએ તો મુખ્યમંત્રીને ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદવાનુ સૂચન કર્યુ હતું.

કૃષિમંત્રીની રજૂઆતને પગલે ખુદ નાણાંમંત્રીએ એવો એકરાર કર્યો હતોકે, વીજ પુરવઠાનો સપ્લાય ઓછો છે તો ખેડૂતોને વીજળી આપવી ક્યાંથી. હવે નવી સરકાર મૂંઝાઇ છે જેથી ખેડૂતોને વીજળી આપવાના મુદ્દે ગહન વિચારણા કરવામાં આવી રહી છે. અત્યારે તો ખેડૂતોને રાજી કરવા રૂા.500 કરોડના કૃષિ રાહત પેકેજ પર પાણી ફરી વળે તેવી સ્થિતી છે જેથી વીજસંકટને પગલે સરકારની ચિંતાતુર છે.

Leave a Reply

Your email address will not be published.