GUJARAT

સાબરમતી રિવરફ્રન્ટનાં મેદાનમાંથી પોલીસે એવા બે આરોપીની ધરપકડ કરી છે…

 592 Total Views

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો આમ તો હરવા-ફરવા આવતા હોય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે રિવરફ્રન્ટના મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટનાં મેદાનમાંથી પોલીસે એવા બે આરોપીની ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ બેઠા હોય તેમ વાહન પર બેસી લેપટોપમાંથી વિદેશી નાગરિકોને છેતરવાનું કોલ સેન્ટર ચલાવતા હતા.

અત્યાર સુધી રિવરફ્રંટ પર લોકો ફરવા આવેલા જોવા મળ્યા હશે. અહીં પ્રેમી પંખીડાઓ વધુ આવતા પોલીસ અવાર નવાર પેટ્રોલિંગ કરે છે. પોલીસને આ પેટ્રોલિંગ દરમિયાન જ બે શકમંદ નજરે પડ્યા હતા. લેપટોપ લઈને માર્કેટિંગ એકસિક્યુટિવની માફક બને શંકાસ્પદ કામ કરતા હતા. પોલીસે તપાસ કરી તો જમાલપુર સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં આ બંને લોકો એક્ટીવા પર બેસીને પોતાના લેપટોપમાં ડમી કોલસેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રીયાઝ શેખ અને સ્વપ્નિલ ક્રિશ્ચયન નામના બંનેની અટકાયત કરી છે.

આમ રાજ્ય નહી પણ સમગ્ર દેશમાં આ એવો પ્રથમ કિસ્સો છે જેમા ખુલ્લા મેદાનમાં ચાલતું કોલ સેન્ટર પોલીસે પકડી પાડ્યુ છે. તમને જણાવી દઇએ કે, આ લોકો ફોરેનમાં કોલ કરી લોન આપવાના બહાને ફોરેનર્સ સાથે છેતરપિંડી કરતા હોય છે.

બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે લેપટોપમાં પે ડે પ્રોસેસ કરી ઇન્ટરનેશનલ કોલ કરી દેશના નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતા હતા. આટલું જ નહીં એક ચિપ અને એપ્લિકેશન મારફતે વિદેશમાં લોકોને ફોન કરી લોનની લાલચ આપતા હતા. આ બંનેના લેપટોપમાં કુલ 34 જેટલા આઈકોન તથા ફાઈલ અને 16 જેટલી એક્સેલ ફાઈલ પણ મળી આવી. આ તમામ ફાઇલોમાં વિદેશના નાગરિકનો ડેટા હતો. જ્યારે આ બંને સખ્શો વિદેશી કસ્ટમરની લીડની ફાઈલો પણ રાખતા હતા. બંને આરોપીઓના મોબાઇલ ફોન અને લેપટોપ હાલ કબ્જે કરાયા છે. આરોપીઓ મેઘાણી નગરના દીપેશ ઉર્ફે નિખિલ પાસેથી લીડ મેળવતા. આ એ જ દીપેશ છે જેને થોડા વર્ષ પહેલા 84 લાખના મુદ્દામાલ સાથે મેઘાણીનગર પોલીસે ડમી કોલસેન્ટર ચલાવવાના ગુનામાં પકડ્યો હતો.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ એરેસ્ટ વોરન્ટ પણ સાથે રાખતા. જો કોઈ લોન માટે માને નહિ તો તે વોરન્ટ બતાવી ડરાવવામાં આવતા. આરોપી સ્વપ્નિલ ક્રિશ્ચન હોવાથી તે સારું અંગ્રેજી બોલતો હોવાથી તેને વધુ કોલ કરવાની પણ જવાબદારી સોંપી હતી. ત્યારે આરોપીઓની પૂછપરછ માં વધુ શુ સામે આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published.