1,367 Total Views
આનંદનગરની રમાડા હોટેલ સામે સફલ પ્રોફિટેટ કોમ્પ્લેક્સમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે સોમવારે મોડી રાત્રે રેડ પાડી તો તેમાં તેમના જ આશ્ચર્ય વચ્ચે કોલ સેન્ટરના ગેરકાયદે ધંધાના કિંગ ગણાતો નીરવ રાયચુરા ઝડપાયો હતો. એટલું જ નહીં તેના સહિત જે ત્રણની ધરપકડ થઈ તેમની પાસેથી કુલ 39 લાખનું સોનું, રિવોલ્વર, છરા જેવા હથિયાર, મોંઘામાંના દારૂની 11 બોટલ્સ ઉપરાંત ક્રિકેટનો સટ્ટો રમાડવા મોબાઈલ્સ અને ક્રિપ્ટો કરન્સીના પુરાવા પણ હાથ લાગ્યા હતા. હાલ પોલીસે આ મામલે ચાર ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જે ચાર આરોપી સામે ગુના લાગ્યા તેમાં નીરવની પત્ની ક્રિશ્નાનોય સમાવેશ થાય છે અને તે હાલ ભૂગર્ભમાં જતી રહી હોવાની માહિતી છે.
પોલીસને શસ્ત્રો, દારૂ ઉપરાંત પ્રાથમિક તબક્કે 10 હજાર ડોલરની ક્રિપ્ટો કરન્સીનો હિસાબ ધરાવતી ડાયરી પણ મળી છે. જેના આધારે પોલીસનું માનવું છે કે, હજુ વધુ તપાસમાં કરોડોની ક્રિપ્ટો કરન્સી, ખાસ કીરને બીટકોઈનના વ્યવહારો પકડાય તેવી શક્યતા છે. ઉપરાંત રેડ દરમિયાન નીરવ ના ચાંગોદરના ઘરે તપાસ કરતા રેન્જ રોવર કારમાંથી અને ઘરેથી 34 હજારની કિંમતની પાંચ જ દારૂની મોંઘી દાટ દારૂની બોટલો તથા એક રિવોલ્વર પણ મળી આવી હતી. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દારૂની મહેફિલ, ક્રિકેટ સટ્ટો અને છરો રાખતા 3 ગુના અને ચાંગોદરમાં એક દારૂનો મળી કુલ 4 ગુના નોધાયા હતા.
પોલીસે 39 લાખના સોનાના દાગીના, 11 દારૂની બોટલ, છરો અને ક્રિકેટ સટ્ટા અને ડાયરી અને મોબાઇલમાં શંકાસ્પદ ક્રિપ્ટો કરન્સીના હિસાબ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી. આનંદનગરમાં સફલ પ્રોફિટેર કોમ્પલેક્ષમાં સી-2 નંબરની ઓફિસમાં ચાલતી દારૂની મહેફીલ ઉપર આનંદનગર પોલીસ પહોચી હતી. પોલીસે ઓફિસમાંથી નીરવ હર્ષદ રાયચુરા(ઠક્કર) (રહે. રીવેરા ગ્રીન્સ, ગોકુલધામ, સરખેજ) મળી આવ્યો હતો તેનો મોબાઇલ તપાસતા તેમાં દારૂની હેરફેર, ક્રિકેટ સટ્ટા બેટીંગ અને ક્રિપ્ટો કરન્સી સહિતના શંકાસ્પદ ચેટ અને ડેટા મળી આવ્યા હતા. તેની સાથે સંતોષ નોંગાભાઇ ચોસલા (ભરવાડ) (રહે.ગાલા સ્વિંગ, સાઉથ બોપલ) અને રાહુલ ધરમશી પુરબીયા(રહે.કર્ણાવતીનગર, આનંદનગર) પણ દારૂના નશામાં મળી આવ્યા હતા.
ઓફિસમાંથી વ્હિસકી, વાઇન જેવી મોંઘી દારૂ, હુક્કો, ચપ્પુ, છરો, લેપટોપ, વાદળી કલરના પુઠાવાળી ડાયરી મળી હતી. 27.60 લાખની બીગ ડેડી એનઆર લખેલી ચેઇન-પેન્ડલ અને છ વીંટી, 2.55 લાખનું સોનનું કડુ મળી કુલ 39.25 લાખના દાગીના મળ્યા હતા. ઘટના સ્થળથી 39 લાખનુ સોનુ, મોઘી દારૂની બોટલો અને આરોપી કોલ સેન્ટર અને ક્રિપ્ટો કરન્સી સહિત ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલો હોવાથી સેક્ટર-1 રાજેન્દ્ર અસારીના આદેશથી ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. વધુમાં આરોપી સંતોષે ભાવનગરમાં 3 હત્યા કરી છે અને તે કોન્ટ્રાક્ટ કીલર હોવાનુ બહાર આવ્યું છે.
મહેસાણા જિલ્લામાંથી હથિયારનું લાઇસન્સ ઇશ્યૂ
આરોપી નીરવ રાયચુરાના ઘરે થયેલી તપાસ અંગે જિલ્લા એલસીબીના પીઆઇ આર જે ખાંટે જણાવ્યુ હતુ કે, તેના ઘરે સર્ચ દરમિયાન એક રિવોલ્વર મળી છે હાલ તો તેનુ લાઇસન્સ રજૂ કરવામાં આવ્યું છે. જોકે લાઇસન્સ મહેસાણાનું હોવાથી તે લાઇસન્સ અસલ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ છે. મહત્વની વાત તો એ છે કે, કોલ સેન્ટર ચલાવતા માથાભારે શખસો લાઇસન્સ એક એન્કલ કહેવાતા આઇપીએસના ઇશારે મળ્યા હોવાની ચર્ચા છે.
ક્રિપ્ટો કરન્સીના વ્યવહારો અંગે IT-EDને જાણ
સાગરના પાર્ટનર નીરવ રાયચુરાના મોબાઇલ ફોન અને 50 પાનાની વાદળી કલરની ડાયરીમાંથી આઇપી એડ્રેસ સહિત અનેક કરોડોના હિસાબો મળી આવ્યા છે. જોકે તેમાં કેટલા લોકોને પૈસા આપ્યા તેનો હિસાબ પણ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ડાયરી અને મોબાઇલ પંચનામુ કરી કબ્જે કર્યા છે. આ હિસાબો અંગે ઇડી અને ઇન્કમટેક્ષને જાણ કરવામાં આવશે તેમ ડીસીપીએ જણાવ્યુ હતુ. જોકે ક્રિપ્ટો કરન્સીના 10 હજાર ડોલરના હિસાબ હોવાનુ પણ મળ્યું છે. જોકે મોબાઇલ, લેપટોપ અને ડાયરી બાબતે એફએસએલની પણ મદદ લેવાશે.
મોબાઇલમાં ફૂટબોલ અને ક્રિકેટનો સટ્ટો રમતો હતો
આરોપી નીરવ રાયચુરા GOLDENNEXCH.COM નામની વેબસાઇટ પર ક્રિકેટ સટ્ટો અને ફુટબોલનો સટ્ટો રમતો હતો. નીરવ સટ્ટાનો શોખીન હોવાથી લાખો રૂપિયાની હાર-જીત કરતો હોવાનુ બહાર આવ્યું છે. આ વેબસાઇટ કોના પાસે લીધી અને કોની પાસે સટ્ટો કપાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને ફુટબોલ અને ક્રિકેટ સટ્ટાના અનેક વ્યવહારો અને લગાવેલા સટ્ટાની વિગતો મોબાઇલમાંથી મળી આવી છે.
IPSની મદદથી સાગર તેના ભાગીદાર કરોડપતિ બન્યા
સાગર બે ડી કાર રાખતો હતો. જોકે અને નીરવ રાયચુર રેન્જ રોવર સહિતની કાર રાખતો હતો. બંને એક આઇપીએસ અધિકારીની મદદથી કરોડપતિ બન્યા હોવાની ચર્ચા છે. જોકે સાગર ઉર્ફે સેગી હાલ વિદેશમાં રહેતો હોવાનુ બહાર આવ્યું છે. આમ સાગર અને નીરવ રાતો રાત કરોડપતિ બની ગયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
નીરવ ગોવાના બિગ ડેડી કેસીનોનો સંચાલક
ગોવામાં દરિયામાં આવેલા જહાજમાં બીગ ડેડી નામના કેસીનો ચાલી રહ્યો છે. તેનું સંચાલન નીરવ રાયચુરા કરતો હોવાનું ડીસીપી ઝોન-7એ જણાવ્યુ હતુ. કેસીનોના તમામ પાવર અને ઓપરેટીંગ નીરવ પાસે હોવાનુ બહાર આવ્યું છે. તે 27.60 લાખની કિંમતનું બીગ ડેડી એનઆર લખેલું સોનાનુ લોકેટ ચેઇનમાં પહેરતો.