851 Total Views
– દિવાળીની રજાઓમાં મોજ માણવા માટે
– વિદેશી સહેલાણીઓ પણ ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાતે બહોળી સંખ્યામાં ઉમટી પડયા
બાલાસિનોર : બાલાસિનોર પાસેના રૈયોલી ખાતે આવેલા ડાયનોસોર પાર્કમાં દિવાળીના મિનિ વેકેશન દરમિયાન બહોળી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા. વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આ ફોસિલ પાર્કની મુલાકાતે આવ્યા હતા.
દિવાળીના મિનિ વેકેશનમાં લોકો બહાર ફરા નિકળી પડયા હતા. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ જાણે ઘરમાં કેદ થયું હતું. જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે તહેવારોમાં વધુ છૂટછાટ આપી છે. ત્યારે લાંબા સમય બાદ દિવાળી છૂટછાટ અને વિઘ્ન વગર ઉજવવામાં આવી છે. દિવાળીના આ તહેવાર દરમિયાન ગુજરાતમાં ડાયનાસોર ફોસિલ પાર્ક પ્રવાસનના મુખ્ય વિકલ્પ તરીકે છેલ્લાં અનેક વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે શનિ-રવિની રજાઓમાં મોજ માણવા માટે ડાયનાસોર પાર્ક સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે. વહીવટી તંત્રએ પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સુરક્ષા તહેનાત છે. પોલીસ અધિકારીઓથી લઈને જી.આર.ડી જવાનો સહિત તમામ સુરક્ષામાં ગોઠવવામાં આવ્યા છે. કોરોના કેસમાં ઘટાડો નોંધાતા પ્રવાસન ધામ તરફ મોટી સંખ્યામાં
સહેલાણીઓનો ધસારો વધ્યો છે. વહીવટીતંત્ર અંદાજ મુજબ દિવાળીના તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ રૈયોલી ડાયનાસોર પાર્કની મુલાકાત લીધી હતી.
ત્રણ દિવસમાં પાંચ હજારથી વધુ મુલાકાતી ઉમટયા
બાલાસિનોર પાસેના રૈયોલી ગામે આવેલા ડાયનોસોર ફોસિલ પાર્કની મુલાકાતે ત્રણ દિવસમાં પાંચ હજારથી વધારે સહેલાણીઓ ઉમટી પડયા હતા. શુક્રવાર, શનિવારે અને રવિવાર એમ ત્રણ દિવસની રજાઓમાં આ ડાયનોસોર પાર્કની મુલાકાતે સ્થાનિક ઉપરાંત દેશ-વિદેશના પાંચ હજારથી વધારે સહેલાણીઓએ મુલાકાત લીધી. જેને કારણે ડાયનોસોર પાર્કના સંચાલનમંડળને પણ લાખોની આવક થઇ હોવાનું જાણવા મળે છે. રૈયોલીમાં આ સ્થળે લુપ્ત થયેલી પ્રજાતિ ડાયનાસોરના ઇંડા સહિતના અવશેષ મળી આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ડાયનાસોર સહિતની જાણકારી તથા ઇંડા સહિતના અવશેષ સાચવવામાં આવેલા છે.