1,034 Total Views
– જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ બાબુલ સુપ્રિયોની પોસ્ટ સામે ટીખળ કરી
નવી દિલ્હી, તા. 3 મે, 2021, સોમવાર
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ઉશ્કેરાયેલા ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ મમતા બેનર્જીને શુભેચ્છા ન પાઠવવાની વાત કરી છે. સાથે જ આ જનાદેશને ઐતિહાસિક ભૂલ ઠેરવ્યો છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી જેની જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મજાક ઉડાવી છે.
બાબુલ સુપ્રિયોએ લખ્યું હતું કે, ‘ના હું મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવીશ, ન હું એમ કહીશ કે હું જનાદેશનું સન્માન કરૂ છું. ભાજપને એક તક ન આપીને બંગાળની જનતાએ આ ભ્રષ્ટ, અક્ષમ સરકાર તથા એક ક્રૂર મહિલાને ફરી સત્તામાં લાવીને ઐતિહાસિક ભૂલ કરી છે.’ વધુમાં લખ્યું હતું કે, ‘હા, એક કાયદાનું પાલન કરનારા નાગરિક તરીકે હું લોકશાહી ધરાવતા દેશમાં લોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરીશ.’ સુપ્રિયોએ બાદમાં તે પોસ્ટ હટાવી લીધી હતી.
ઉમર અબ્દુલ્લાએ તેમની આ ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને મજાક ઉડાવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘આગળ પ્રયત્ન કરો અને રોતલ બાળક ન બનશો.’ તેમની આ ટ્વીટને અનેક રિટ્વીટ મળી હતી તથા હજારો લોકોએ તેને લાઈક કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બાબુલ સુપ્રિયો એ 4 સાંસદો પૈકીના એક છે જેમને ભાજપે વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ ટૉલીગંજથી ચૂંટણી લડ્યા હતા અને ટીએમસીના અરૂપ બિસ્વાસને પડકાર આપ્યો હતો. જો કે, તેમને નિરાશા સાંપડી હતી અને બિસ્વાસે તેમને 50,000 કરતા વધારે મતના અંતરથી હરાવી દીધા હતા.