2,249 Total Views
સંસદના બજેટ સત્રનો શુક્રવાર ૨૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન, દિલ્હીમાં ખેડૂતો દ્વારા આચરાયેલી હિંસા, અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ ઇત્યાદિ સળગતા મુદ્દાઓ વચ્ચે શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહેવાની સંભાવના છે તેનો સંકેત આપતાં ૧૬ વિરોધી પાર્ટીઓએ બજેટ સત્રની પ્રારંભે સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના સાથી પક્ષો ઉપરાંત આપ દ્વારા પણ બહિષ્કારની જાહેરાત કરાઈ છે.
યુનિયન બજેટ મોબાઇલ એપ પર બજેટ દસ્તાવેજો જોઈ શકાશે
પહેલી ફેબ્રુઆરીએ કન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારું બજેટ ભારતના ઇતિહાસમાં પહેલું પેપરલેસ બજેટ બની રહેશે. સાંસદો અને સામાન્ય જનતા સહેલાઈથી બજેટના દસ્તાવેજો જોઈ શકે તે માટે સીતારામને યુનિયન બજેટ મોબાઇલ એપ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપમાં કેન્દ્રીય બજેટના તમામ ૧૪ દસ્તાવેજોની વિગતો મળી રહેશે.
૧ ફેબ્રુઆરીએ સવારે ૧૧ કલાકે બજેટ રજૂ થશે
સંસદના બજેટ સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિના સંબોધન બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન શુક્રવારે વર્ષ ૨૦૨૦-૨૧નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. તેઓ પોતાના કાર્યભારમાં સતત ત્રીજું કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીના સોમવારે સવારે ૧૧ કલાકે રજૂ કરાશે. આર્થિક સર્વેક્ષણમાં વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની કામગીરી કેવી રહી તેના પર પ્રકાશ પાડવામાં આવશે.