GUJARAT

પાકિસ્તાનના ISIને મળ્યુ નવું મહોરૂ! આ વ્યક્તિ દ્વારા ભારતમાં મોકલી રહ્યું છે નકલી નોટ

 513 Total Views

– શારિક પહેલા નકલી નોટોનું આ કામ ઈકબાલ કાના સંભાળતો હતો. તે પણ ભારતમાં નકલી નોટોનો સપ્લયા કરતો હતો.

નવી દિલ્હી, તા. 23 ઓગષ્ટ, 2021, સોમવાર

નકલી નોટો દ્વારા આતંકવાદીઓને ફન્ડિંગ કરવું, ભારતમાં હવાલા કારોબારને હવા આપવી, આ બધા પાકિસ્તાનના એવા ષડયંત્રો છે જે હવે જગજાહેર થઈ ચુક્યા છે. છેલ્લા અનેક વર્ષોથી પાકિસ્તનનું ISI ભારતમાં નકલી નોટોનું સપ્લાય કરી રહ્યું છે. હવે એ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જેને પાકિસ્તાને પોતાનો નવો ચહેરો બનાવ્યો છે અને તેના દ્વારા ભારતમાં મોટા પાયે નકલી નોટ મોકલવામાં આવી રહી છે.

કોણ છે શારિક ઉર્ફે સટ્ટા?

ઉત્તર પ્રદેશના સંભલનો રહેવાસી શારિક ઉર્ફે સટ્ટાને ISIએ પોતાના નવા ચહેરા તરીકે પસંદ કર્યો છે. દુબઈમાં બેસીને શારિક દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં નકલી નોટો સપ્લાય કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સંભલથી આલમ અને દિલ્હીથી ઝાકિર નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેના દ્વારા પોલીસને શારિક વિશે માહિતી મળી હતી. બંને પાસેથી 4 લાખની નકલી નોટો મળી આવી હતી અને પુછપરછ દરમિયાન તેમણે શારિકનું નામ આપ્યું હતું.
ગાડીઓની ચોરી કરતો હતો શારિક

ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, શારિક પર દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 50થી વધારે કેસ નોંધાયેલા છે. સ્પેશિયલ સેલના ડીસીપીના કહેવા પ્રમાણે શારિક ઉર્ફે સટ્ટા એક સમયે ચોરીની ગાડીઓ ખરીદવાનું કામ કરતો હતો. તે ચોરીની ગાડીઓનો એટલો મોટો રીસિવર બની ગયો હતો કે, ઉત્તર પ્રદેશ પોલીસે તેના વિરૂદ્ધ NSA અંતર્ગત એક્શન લીધી હતી. જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ તે એજન્સીઓને ચકમો આપીને ભારતમાંથી ફરાર થઈ ગયો હતો અને દુબઈમાં રહેવા લાગ્યો હતો. બાદમાં ISIએ તેનો સંપર્ક સાધ્યો હતો અને તે એમના માટે કામ કરવા લાગ્યો હતો.

પાકિસ્તાન કેવી રીતે ઉપયોગ કરશે?

શારિક પહેલા નકલી નોટોનું આ કામ ઈકબાલ કાના સંભાળતો હતો. તે પણ ભારતમાં નકલી નોટોનો સપ્લયા કરતો હતો. તે ઉત્તર પ્રદેશના કૈરાનાનો રહેવાસી હતો અને વર્ષો પહેલા પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયો હતો. ISIએ તેને ત્યાં નકલી નોટોના કારોબારની જવાબદારી સોંપી હતી. બાદમાં બિહાર ખાતેના ટ્રેન બ્લાસ્ટની તપાસમાં સામે આવ્યું હતું કે, ISIએ તેને જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠન માટે ભારતમાંથી છોકરાઓ રિક્રૂટ કરીને ટ્રેનમાં બ્લાસ્ટ કરાવવાની જવાબદારી સોંપી હતી.

ISIને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે ભારતમાં લોકલ નેટવર્ક ધરાવતી હોય અને નકલી નોટોના કાળા કારોબારને ચલાવી શકે. શારિક ઉર્ફે સટ્ટા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લક્ઝરી ગાડીઓની ચોરીની પોતાની ગેંગ ચલાવતો હતો અને હવે તે દુબઈમાં રહીને તે લોકલ ગેંગના માણસો દ્વારા નકલી નોટોના કારોબારને આગળ ધપાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.