Corona-live GUJARAT

સુરતમાં કોરોના મહામારીના કારણે સ્થિતિ બેકાબૂ થાય તે પહેલા ધડાધડ એક પછી એક મોટો નિર્ણયો લેવામાં આવી રહ્યા છે…

 1,015 Total Views

સમગ્ર સુરત શહેરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રોજે રોજ કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે તંત્ર પણ આ મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે તેવી લોકો બૂમો પાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો સરકારી ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા. સુરતમાં કોરોના મહામારીના કારણે સ્થિતિ બેકાબૂ થાય તે પહેલા ધડાધડ એક પછી એક મોટો નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

સુરતમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપી હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં વેસુ, ઘોડદોડ રોડ, VIP રોડ, ડુમસ રોડ પર રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણ ઘટાડવા પાલિકા અને પોલીસે સંયુક્તલ રીતે આ કવાયત હાથ ધરી છે, તો બીજી બાજુ દુકાનો બંધ ન રાખનારા સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ બાદ સુરતમાં પણ રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવી પડશે. પોલીસ દ્વારા રાત્રે 10 પછી દુકાનો બંધ રાખવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. ફક્ત અઠવાઝોનમાં રાત્રે 10 પછી ખાણીપીણી, પાન ગલ્લાઓ અને દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. અઠવા ઝોનના વેસુ, ઘોડદોડ રોડ, વેસુ વીઆઈપી રોડ, ડુમસ રોડ પર પોલીસની સૂચનાનું કડકપણે પાલન કરાવવામાં આવશે, અને જો રાતે 10 પછી દુકાનો બંધ નહિ થાય તો કડક કાર્યવાહી કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસ સૌથી વધુ અઠવા ઝોનમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટાડવા પાલિકા સાથે પોલીસે આ કવાયત હાથ ધરી છે. અઠવા ઝોનમાં લોકો ફરવા નીકળે છે અને ટોળે વળીને બેસતા હોવાથી સંક્રમણ વધ્યું હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

બીજી બાજુ સુરતમાં સંક્રમણ વધતા SMCએ અન્ય એક મોટો નિર્ણય લીધો છે. સુરતમાં સાંજે 7 વાગ્યા બાદ ચૌટા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ એરિયામાં લારી-ગલ્લાના કારણે સંક્રમણની દહેશત વધારે હોવાનું તંત્ર જણાવી રહ્યું છે અને જે પણ નિયમભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. ચૌતા બજારમાં માસ્ક ના પહેરતા, સામાજિક અંતર ના રાખતા હોવાની ફરિયાદો તંત્રની સામે ઉઠી હતી. જેથી દુકાનો વહેલી બંધ કરવાની સૂચના અપાઈ છે.

અત્રે નોંધનીય છે કે, મંગળવારે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમા કહેવામાં આવ્યું છે કે સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તથા સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતા આ પરિપત્ર જાહેર કરાયો છે. આગામી દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published.