632 Total Views
મોદી સરકારના કૃષિ બિલ સામે પંજાબમાં ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. શુક્રવારે સવારે પંજાબના બાદલ ગામના એક ખેડૂતે વિરોધ સ્થળે ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય કિસાન યુનિયન એકતા ઉગ્રહાનના પ્રદેશ સચિવ શિંગારાસિંહ માન એ જણાવ્યું હતું કે લોકસભામાં કૃષિ બિલ પસાર થતાં ખેડૂતો નારાજ છે. તેમને ડર છે કે આ બિલથી ખેડૂતોને ભારે નુકસાન થશે.
મળતી માહિતી મુજબ 60 વર્ષના ખેડૂતે સાથી ખેડૂતોને શુક્રવારે સવારે ઝેરી પદાર્થનું સેવન કર્યાની માહિતી આપી. ખેડૂતોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને પ્રદર્શન સ્થળ પર તૈનાત પોલીસ અધિકારીઓને પણ જાણ કરી હતી. પોલીસ તેને બાદલ ગામની એક હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં ખેડૂતની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
વાત એમ છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ પૂર્વ મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલના ઘરની બહાર જ બાદલ ગામે છ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે.
શિરોમણિ અકાલી દળે એનડીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો
ખેડૂતો એ 15 સપ્ટેમ્બરથી વિરોધ શરૂ કર્યા બાદ કેન્દ્ર સરકારને બિલ પાછું ખેંચવાનું કહી રહ્યા હતા. આ દરમ્યાન ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ શિરોમણી અકાલી દળે એનડીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો.