817 Total Views
હરિયાણાના કરનાલમાં 28 ઓગસ્ટે થયેલા લાઠીચાર્જ ના વિરોધમાં આજે ખેડૂતોએ કરનાલમાં મહાપંચાયત બોલાવી છે.
તાજેતરમાં યુપીમાં મુઝ્ઝફરનગરમાં ખેડૂતોએ બોલાવેલી મહાપંચાયતમાં જંગી મેદની ઉમટી પડી હતી અને હવે ખેડૂતોએ હરિયાણામાં આજે આ પ્રકારની પંચાયત બોલાવી હોવાના કારણે સરકાર સતર્ક થઈ ગઈ છે.
હરિયાણાના પાંચ જિલ્લામાં આજે મધરાત સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયુ છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યુ છે કે, મહાપંચાયત માટે સરકારે તમામ વ્યવસ્થા કરી છે પણ ખેડૂતો શાંતિપૂર્ણ રીતે રેલી કરે તેવી અપીલ છે. તેમને કાયદો હાથમાં નહીં લેવા દેવાય.
બીજી તરફ કરનાલના તંત્રે કહ્યુ છે કે, ખેડૂતોને કોઈ પણ ભોગે હાઈ વે જામ કરવા નહીં દેવાય. કરનાલમાં સુરક્ષાદળોની 40 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
પંચાયતમાં રાકેશ ટિકૈત અને યોગેન્દ્ર યાદવ સહિતના નેતાઓ સામેલ થવાના છે. ઉલ્લેખનીય છે કે, કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે એક ખેડૂતનુ મોત થયુ હતુ. તેના વિરોધમાં આ પંચાયત બોલાવાઈ છે. ખેડૂત સંગઠનોએ મોતને ભેટેલા ખેડૂતના પરિવારને 25 લાખનુ વળતર અને સરકારી નોકરી તેમજ ઘાયલ ખેડૂતોને બે-બે લાખનુ વળતર આપવાની માંગણી કરેલી છે.