GUJARAT

દેશમાં કોરોના વચ્ચે કેરળમાં નિપાહ વાઈરસથી એક બાળકનું મોત નીપજ્યું

 415 Total Views

દેશમાં સતત પાંચમા દિવસે એક્ટિવ કેસ ચાર લાખથી વધુ
દેશમાં કોરોનાના નવા ૪૨,૭૬૬ કેસ, વધુ ૩૦૮નાં મોત : કુલ કેસ ૩.૨૯ કરોડ, મૃત્યુઆંક ૪.૪૦ લાખ

દેશમાં કોરોના મહામારી વચ્ચે કેરળના કોઝિકોડમાં નિપાહ વાઈરસથી એક બાળકના મોતથી કેરળમાં ગભરાટ ફેલાઈ ગયો છે. પૂણે નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીએ બાળકનું મોત નિપાહ વાઈરસથી થયું હોવાની પુષ્ટી આપતાં કેન્દ્ર સરકારે તાબડતોબ નેશનલ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલની એક ટીમને કેરળ રવાના કરી છે. રવિવારે કેરળ પહોંચી ગયેલી આ ટીમ રાજ્યને ટેકનિકલ સહાય પૂરી પાડશે. બીજીબાજુ દેશમાં રવિવારે કોરોનાના નવા ૪૨,૭૬૬ કેસ નોંધાયા હતા અને સતત પાંચમા દિવસે એક્ટિવ કેસ ચાર લાખથી વધુ રહેતાં તહેવારોની મોસમમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે જણાવ્યું હતું કે, કોઝિકોડમાં રવિવારે સવારે નિપાહ વાઈરસથી ગ્રસ્ત ૧૨ વર્ષના બાળકનું મોત થયું હતું. નિપાહ વાઈરસ ચામાચીડિયાની લાળથી ફેલાય છે. આ બાળકને ચાર દિવસ પહેલાં ભારે તાવ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. ત્યાર પછી તેને મેડિકલ કોલેજ લઈ જવાયું હતું, ત્યાંથી તેને ફરી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. જોકે, શનિવારે બાળકનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. ગઈકાલે તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે પૂણેની વાયરોલોજી ઈન્સ્ટિટયૂટમાં મોકલાયા હતા.

કેરળમાં ગઈકાલે જ મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓએ નિપાહ વાઈરસના સંદર્ભમાં બેઠક યોજી હતી. ત્યાર પછી એક ટીમની રચના કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પગલાં હાથ ધરાયા હતા. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અન્ય પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હતી. વિભાગે બાળકના સંપર્કમાં આવનારા ૧૮૮ લોકોની ઓળખ કરી લીધી છે, જેમાંથી ૨૦ લોકો પર જોખમ હોવાની આશંકા છે. જોકે, બાળકના પરિવારના અન્ય સભ્યોમાં બીમારી સંબંધિત કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. જોકે, પોલીસે તકેદારીના ભાગરૂપે બાળકના ઘરી આસપાસના ત્રણ કિ.મી. વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ કેસ સામે આવતાં જ કેન્દ્ર સરકારે નેશનલ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલની એક ટીમ કેરળ મોકલી છે. આ ટીમ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને ટેકનિકલ મદદ કરશે.

બીજીબાજુ દેશમાં તહેવારોની મોસમમાં કોરોના મહામારી ફરીથી માથું ઊંચકી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના નવા ૪૨,૭૬૬ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૩,૨૯,૮૮,૬૭૩ થયા છે જ્યારે સતત પાંચમા દિવસે એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધુ રહી છે. રવિવારે વધુ ૩૦૮નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૪૦,૫૩૩ થયો છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસ ૪,૩૬૭ કેસ વધવાની સાથે કુલ એક્ટિવ કેસ ૪,૧૦,૦૪૮ થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૪૫ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૬૧ ટકા નોંધાયો હતો. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસ ૪૦,૦૦૦થી વધુ રહેતા ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. દેશમાં કોરોના વિરોધી રસીના કુલ ૬૮.૪૬ કરોડ ડોઝ અપાયા છે.

Leave a Reply

Your email address will not be published.