Business

વૈશ્વિક સ્તરે કોટનમાં સતત ચોથા વર્ષે ઉત્પાદનમાં ઘટાડા પાછળ ન્યૂયોર્ક કોટન વાયદો ૭૯ સેન્ટ પ્રતિ પાઉન્ડની સપાટી પાર.

 1,707 Total Views

કોટનના ભાવમાં મજબૂતી ટકેલી છે. ચાલુ સપ્તાહે બે દિવસમાં વધુ રૂ. ૧૦૦૦ના સુધારે ખાંડીના રૂ. ૪૩,૫૦૦ બોલાયાં હતાં. જે અંતિમ બે વર્ષની ટોચ છે. ગઈ સિઝનમાં કોટનના ભાવ રૂ. ૪૧,૫૦૦થી ઉપર જોવા મળ્યાં નહોતાં. જ્યારે એપ્રિલમાં ઘટીને રૂ. ૩૨,૦૦૦ પર જોવા મળ્યાં હતાં. જ્યાંથી જુલાઈ બાદ સતત સુધરતાં રહ્યાં હતાં અને બે વર્ષની ટોચ પર બોલાયાં છે. વૈશ્વિક બજારમાં સુધારો અને એન્ડ યૂઝર્સની માગ પાછળ ભાવ ઉત્તરોત્તર વધતાં રહ્યાં છે.

વૈશ્વિક સ્તરે કોટનમાં સતત ચોથા વર્ષે ઉત્પાદનમાં ઘટાડા પાછળ ન્યૂયોર્ક કોટન વાયદો ૭૯ સેન્ટ પ્રતિ પાઉન્ડની સપાટી પાર કરી ગયો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે જાન્યુઆરી વાયદો મંગળવારે રૂ. ૨૧,૧૮૦ની સપાટી ટોચ દર્શાવી રૂ. ૨૧,૧૫૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. ભારતીય કોટન હજુ પણ વૈશ્વિક બજારમાં ભાવની રીતે સ્પર્ધાત્મક છે. જોકે કન્ટેનર ફ્રેઈટમાં વૃદ્ધિને કારણે નિકાસ કામગીરી પર અસર પડી હોવાનું વર્તુળો જણાવે છે.

ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં દેશમાંથી ૨૭ લાખ ગાંસડી માલ રવાના થઈ ચૂક્યો હતો. જ્યારે ૩૦ લાખ ગાંસડીથી વધુના કમિટમેન્ટ થઈ ચૂક્યાં હોવાનું વર્તુળો જણાવતાં હતાં. કોટનમાં મજબૂતીનું એક અન્ય કારણ કપાસિયાથી લઈને તેલમાં સાર્વત્રિક મજબૂતી પણ છે. છેલ્લા કેટલાક સમયથી તેલના ભાવ સતત વધી રહ્યાં છે. જેની પાછળ ભાવને વેગ મળ્યો છે. યાર્નમાં દાયકાની શ્રેષ્ઠ સ્થિતિ જોવા મળી રહી છે. આમ કોટનના વધતાં ભાવોની વપરાશકારો પર કોઈ વિપરીત અસર નથી પડી રહી અને તેમની ખરીદી ઊંચી જળવાઇ રહી છે. દેશમાં કોટનની આવક છેલ્લા દિવસોમાં ઘટાડો દર્શાવી રહી છે. ડિસેમ્બરમાં દૈનિક ૨.૫ લાખ ગાંસડી આવક સામે મંગળવારે ૧.૫-૧.૭૫ લાખ ગાંસડીની આવક જોવા મળી હતી. અત્યાર સુધીમા દેશમાં ૧.૭૫ કરોડ ગાંસડીનો માલ આવી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.