International

નેપાળની છેલ્લાં કેટલાંક દિવસોથી ચીનથી નિકટતા વધી છે. બીજીબાજુ ભારતની સાથે નેપાળનો સરહદ વિવાદ વધુ ઘેરાઇ રહ્યો છે…

 1,026 Total Views

નેપાળની છેલ્લાં કેટલાંક દિવસોથી ચીનથી નિકટતા વધી છે. બીજીબાજુ ભારતની સાથે નેપાળનો સરહદ વિવાદ વધુ ઘેરાઇ રહ્યો છે. ભારત અને ચીનની વચ્ચે પણ સરહદ પર તણાવ વધવાના લીધે નેપાળની ભૂમિકા વધુ અગત્યની થઇ ગઇ છે. તમામ નિષ્ણાતો એ વાતને લઇ પણ ચિંતા વ્યકત કરી રહ્યા છે કે નેપાળમાં ચીનની વધતી હાજરી ભારતની સુરક્ષા માટે પણ ખતરો છે. આ બધાની વચ્ચે ચીનમાં નેપાળના રાજદૂત મહેન્દ્ર બહાદુર પાંડે એ રવિવારના રોજ ચીની મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યો છે તેમાં તેમણે ચીન અને નેપાળના સંબંધને અતૂટ ગણાવ્યો છે.

ચીનમાં નેપાળના રાજદૂત મહેન્દ્ર પાંડે એ કહ્યું કે નેપાળ અને ચીન સારા પાડોશી દેશ છે અને સારા મિત્રો પણ. વર્ષ 1955થી જ બંને દેશોના કૂટનીતિક સંબંધ રહ્યા છે. તેમણે કહ્યું કે ચીનમાં નેપાળના નવા રાજદૂત હોવાના નાતે મારી પ્રાથમિકતા બંને દેશોની વચ્ચે થયેલા કરાર છે. ગયા વર્ષે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેપાળની મુલાકાત લીધી હતી જે ખૂબ જ સફળ રહી. અંદાજે 20 કરાર પર હસ્તાક્ષર કર્યા. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી એ પણ ચીનની મુલાકાત લીધી અને કેટલાંક કરાર પર હસ્તાક્ષર કર્યા. આથી મારી પ્રાથમિકતા રહેશે કે આ સમજૂતી પર ઝડપથી કામ આગળ વધી શકે. ગયા વર્ષે અમે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની અંતર્ગત કેટલાંય પ્રોજેક્ટ શરૂ કરી ચૂકયા છીએ. આ પ્રોજેક્ટ શિક્ષણ, સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણથી સંબંધિત છે. ચીનમાં પોતાના કાર્યકાળ દરમ્યાન મારી પ્રાથમિકતામાં આ વસ્તુ હશે.

ગ્લોબલ ટાઇમ્સે નેપાળી રાજદૂતને પ્રશ્ન કર્યો કે કેટલાંક વિદેશી મીડિયામાં ખાસ કરીને ભારતીય મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને નેપાળની ઘેરાતી મિત્રતાથી સુરક્ષા ચિંતાઓ વધી ગઇ છે તેના પર તમારું શું કહેવું છે? નેપાળી રાજદૂતે કહ્યું કે આ તથ્યો પર આધારિત નથી અને પૂર્વાગ્રહોથી ગ્રસિત છે. આ ડરની અભિવ્યક્તિ છે. ભારત એક ઉપનિવેશ હતો જ્યારે નેપાળ હંમેશાથી એક સ્વતંત્ર અને સંપ્રભુ દેશ રહ્યો છે. અમે કોઇપણ વિચારધારા કે કોઇપણ શક્તિની તરફ ઝૂકેલા નથી.

નેપાળી રાજદૂતે કહ્યું કે ભારતીય મીડિયા પૂર્વાગ્રહોથી ગ્રસિત છે કે પછી ગુમરાહ છે આથી તેઓ આ પ્રકારના નકલી સમચારો અને પ્રોપેગેન્ડા છાપી રહ્યા છે પરંતુ આ હકીકત નથી. ચીન અને નેપાળના સંબંધ સ્વાભાવિક અને દોસ્તાના છે. આ ક્ષેત્રનો પ્રશ્ન નથી પરંતુ સમજ અને એકબીજાની મદદનો છે. ચીન અને ભારત બંને પાડોશીઓને એકબીજાને લઇ ડરવું જોઇએ નહીં. તેની જગ્યાએ આપણે હાથ મિલાવવા જોઇએ અને પરસ્પર સમજ વિકસિત કરતાં સહયોગ વધારવાની કોશિષ કરવી જોઇએ.

શું નેપાળ ભારત અને ચીનની વચ્ચે ફસાઇને રહી ગયું છે? ચીન-ભારત સરહદ તણાવે તેની કશમકશ વધારી દીધી છે? આ પ્રશ્નના જવાબમાં નેપાળના રાજદૂત મહેન્દ્ર પાંડે એ કહ્યું કે કેટલીય વખત આવું થયું છે. ચીન અને ભારત બંને પાડોશી દેશ છે. આ જ રીતે નેપાળ અને ભારત પણ પાડોશી છે. નેપાળ અને ભારતની વચ્ચે કેટલાંક ભૂ-ભાગમાં લાંબા સમયથી ચાલી આવી રહેલી સમસ્યાઓ છે.

રાજદૂતે કહ્યું કે પહેલાં અમને ચીનની સાથે પણ કેટલીક સમસ્યાઓ હતી પરંતુ અમે તત્કાલીન ચીની નેતા માઓ જેડોંગની સાથે બેઠા અને વાતચીત કરી. એ સમયે ચીનના પ્રધાનમંત્રી ઝાઓ ઇનલાઇ હતા. અમે એ સમયે એક કરાર કર્યો અને સરહદ વિવાદ ઉકેલ્યો. હવે ચીનની સાથે અમારો કોઇ સરહદ વિવાદ નથી.

નેપાળી રાજદૂતે કહ્યું કે ભારતે અમારી કેટલીક જમીન પર કબ્જો કરી રાખ્યો છે. 1962મા જ્યારે ચીન અને ભારતની વચ્ચે યુદ્ધ થયું તો ભારતની હાર થઇ અને ભારતીય સેના અસ્થાયી રીતે અમારી જમીન પર રહી ગઇ. જો કે બાદમાં ભારત દાવો કરવા લાગ્યું કે જમીન તેમની જ છે. આ જ અમારી સમસ્યા છે. અમે વાતચીત કરીને સરહદ વિવાદ ઉકેલવાની પૂરી કોશિષ કરી રહ્યા છીએ.

નેપાળી રાજદૂતે કહ્યું કે અમે ભારતને કેટલીય વખત અનુરોધ કરી ચૂકયા છીએ પરંતુ તે સમયે તેઓ વધુ દિલચસ્પી લઇ રહ્યા નહોતા. પરંતુ હવે એવું નથી. વાતચીતને લઇ ભારતનો રૂખ સકારાત્મક થયો છે.

નેપાળી રાજદૂતે કોરોના વાયરસની મહામારી પર નિયંત્રણ માટે ચીનની નીતિઓનું સમર્થન કર્યું. ગ્લોબલ ટાઇમ્સે નેપાળી રાજદૂતને કેટલાંક પ્રશ્નો કર્યા કે ભારતીય મીડિયાના કેટલાંક રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને નેપાળના સંબંધ ખરાબ થઇ રહ્યા છે. મહામારી ખત્મ થયા બાદ નેપાળ-ચીનના સંબંધ કઇ દિશામાં જશે? આ પ્રશ્નના જવાબમાં નેપાળી રાજદૂતે કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે કેટલાંય રિપોર્ટસમાં દાવો કરાઇ રહ્યો છે કે નેપાળ અને ચીનની વચ્ચે સંબંધ હવે સારા રહ્યા નથી. ખાસ કરીને ભારતમાં એવું ખાસ જોવામાં આવ્યું છે. આ નકલી પ્રોપેગેન્ડા છે. અમારી પાસે કોઇ કારણ નથી કે અમે ચીનની સાથે સંબંધ સારા ના રાખીએ.

તેમણે કહ્યું કે મહામારી બાદની દુનિયામાં બહુપક્ષીય વ્યવસ્થા જ પ્રભાવી થશે અને સામૂહિક કોશિષ વધશે. આથી આ પ્રકારના પૂર્વાગ્રહ પાછળ છૂટી જશે. મહામારી ખત્મ થયા બાદ કેટલાંય બદલાવ આવશે પરંતુ આપણા દ્વિપક્ષીય સંબંધો પર તેની કોઇ અસર પડશે નહીં. બંને દેશોની રાજનીતિ વ્યવસ્થામાં મોટો ફરક છે પરંતુ અમારી વચ્ચે કેટલીય સમાનતાઓ પણ છે.

Leave a Reply

Your email address will not be published.