1,091 Total Views
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ બુધવારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 237 કિમી લાંબા હાઈસ્પીડ કોરિડરની ડિઝાઈન અને નિર્માણ માટે ટેક્નિકલ બિડ્સ બહાર પાડ્યા છે. આ ટેન્ડર પ્રોજેક્ટના 47 ટકા હિસ્સો કવર કરે છે. ટાટા પ્રોજેક્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, એફોકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને ઈરકોન ઈન્ટરનેશનલ લિમિટેડ સહિત 7 દિગ્ગજ કંપનીઓ નિર્માણની હોડમાં છે.
આ પ્રોજેક્ટ હેઠળ કુલ 508 કિમી લાંબા રેલ કોરિડોરનું નિર્માણ થવાનું છે. આ ટેન્ડર ગુજરાતના વાપીથી લઈ વડોદરા વચ્ચે રેલ ટ્રેકના નિર્માણ માટે જાહેર કરાયું છે. તેમાં ચાર શહેરો વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચમાં રેલ્વે સ્ટેશનનું નિર્માણ થશે. તેના રસ્તામાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ આવશે. જેના માટે ટેન્ડર જાહેર કરાયું છે તેનો તમામ હિસ્સો ગુજરાતમાં પડે છે. અને તેના માટે 83 ટકા જમીન અધિગ્રહણ પણ થઈ ચૂકી છે.
આ પ્રોજેક્ટ માટે કુલ એક કંપની અને બે કંસોર્ટિયમે ટેન્ડર ભર્યું છે. એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ઈરકોન ઈન્ટરનેશનલ લિમિટેડ અને જેએમસી પ્રોજેક્ટ્સ ઈન્ડિયા લિમિટેડની સાથે મળીને ટેન્ડર ભર્યું છે. એનસીસી લિમિટેડે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ, જે કુમાર ઈન્ફ્રા પ્રોડક્ટસ અને એચએસઆર કંસોર્ટિયમની સાથે મળીને ટેન્ડર ભર્યું છે. તો એકમાત્ર ટેન્ડર ભરનાર કંપની લાર્સન એન્ડ ટુબ્રો છે.
કેટલા લોકોને રોજગાર મળશે?
NHSRCLએ દાવો કર્યો કે આ પ્રોજેક્ટમાં 90 હજાર લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળશે. પ્રોજેક્ટના નિર્માણમાં વિવિધ નિર્માણ સંબંધી ગતિવિધિઓ માટે 51 હજારથી વધારે ટેક્નિશિયનની આવશ્યક્તા હશે. આ ઉપરાંત 34 હજારથી વધારે અપ્રત્યક્ષ રોજગારના અવસર પણ ઉત્પન્ન થશે. 508 કિમી લાંબી લાઈનમાં 26 કિમી સુરંગ બનાવવા માટે 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 21 લાખ મેટ્રિક ટન સ્ટીલની ખપત થશે. તેમાં 7 કિમી લાંબી સુરંગ સમુદ્રમાં, 27 સ્ટીલ પુલ, 12 સ્ટેશન અને અનેક સુપર સ્ટ્રક્ચર સામેલ છે.