784 Total Views
અમેરિકા પ્રત્યાર્પણ કરીને બ્રિટનથી આ આતંકીઓને લાવ્યું હતું
આ આતંકીઓને મોતની સજા નહીં થાય એવી અમેરિકાએ બ્રિટનને ખાતરી આપી હતી તેથી મૃત્યુદંડ અપાય એવી શક્યતા નહિવત
એલેક્ઝાંડ્રા (યુએસ) : અમેરિકાના પાટનગર વોશિંગ્ટન નજીક આવેલી એક કોર્ટના રૂમમાં બ્રિટનના એક નાગરિકે ગુરૂવારે કબુલાત કરી લીધી હતી કે અમરિકનોનું અપહરણ કરવામાં, તેઓને શારીરિક પીડા અને યાતનાઓ આપવામાં, તેઓની મુક્તિ બદલ નાણાં માંગવામા અને છેલ્લે તેઓના માથા વાઢીને મોતને ઘાટ ઉતારી દેવાની ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની યોજનામાં તેણે સક્રિય ભૂમિકા ભજવી હતી.
એલેક્ઝાંડ્રીયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સાચી રહેલી સુનાવણી દરમ્યાન કોર્ટે 37 વર્ષિય એલેક્સાન્ડા એનનકોટી નામના આ બ્રિટિશ નાગરિકને આઠ જેટલા જઘન્ય અપરાધો માટે ગુનેગાર ઠેરવ્યો હતો. તેની સામે જે આરોપ મૂકવામાં આવ્યા હતા તેમાં 2012 થી 2015ના સમયગાળા દરમ્યાન અમેરિકન નાગરિકોના અપહરણ કરવા તથા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના ટેકામાં કેટલાંક દસ્તાવેજો પૂરા પાડવાના આરોપનો પણ સમાવેશ થાય છે.
આ ગુનેગારે પત્રકાર જેમ્સ ફોલી, સ્ટિવન સોટલોફ ઉપરાંત મદદનીશ કાર્યકરો પિટર કેસિંગ અને કાયલા મુલર જેવા અમેરિકનો ઉપરાંત યુરોપિયન અને જાપાનના નાગરિકોના થયેલા મોતના કેસમાં તેની પોતાની પણ સંડોવણી હોવાનો એકરાર કર્યો હતો.
આ આતંકવાદીઓએ જે લોકોનું અપહરણ કર્યું હતું તેઓએ ઇસ્લામિક સ્ટેટના આ ચાર ત્રાસવાદીઓને ધ બિટલ્સ તરીકનું નામ આપ્યું હતું કેમ કે તેઓની બોલવાની ઢબ, ઉચ્ચારણો અને ભાષા બ્રિટિશરોની હતી. કોટી તે ચાર પૈકીનો એક આતંકી હતો.
અમેરિકાએ ગત વર્ષે જ કોટીની સાથે અલ શફી અલ શેખ નામના ત્રાસવાદીને બ્રિટનમાંથી પ્રત્યાર્ણપણ કરીને અહીંની કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો જેથી કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. જો કે અમેરિકાએ તેઓને લાવતા પહેલાં બ્રિટનને એવી ખાતરી આપી હતી કે આ આતંકવાદીોને મોતની સજા નહીં કરવામાં આવે.
હાલ બ્રિટિશ નાગરિક કોટીની સામે ખટલો ચાલી રહ્યો છે જ્યારે અલ અશફી અલ શેખ સામેનો કેસ આગામી જાન્યુઆરીમાં શરૂ થશે. આ લોકોનો ત્રીજો સાગરિત મોહંમદ એમવાઝી હતો જે જિહાદી જ્હોન તરીકે ઓળખાતો હતો, પરંતુ 2015માં થયેલા એક ડ્રાન હુમલામાં તે માર્યો ગયો હતો. તેઓનો ચોથો સાગરિત હાલ તૂર્કિમાં જેલની સજા કાપી રહ્યો છે.