798 Total Views
ગુજરાતમાં અષાઢી બીજનું મૂર્હત મેઘરાજાએ સાચવી લીધું છે. ત્યારબાદ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અરવલ્લી, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદીઓને હજુ પણ ગરમીમાં શેકાવું પડશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે.
અંબાજી સિવાય મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં વરસાદ પડતા લોકોને બફારાથી રાહત મળી છે. પવન સાથે મોરબીમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી મોરબી શહેરમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. અસહ્ય બફારા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જેથી લોકોને ગરમીથી રાહત મળી છે. મોરબીમાં ગઈ કાલે પડેલ ઝાપટા બાદ આજે ફરી મેંઘરાજાની એન્ટ્રી થઈ હતી.
ગુજરાતભરમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, રાજુલામાં દોઢ ઈંચ વરસાદ, મહેમદાવાદ, સાણંદ, ધ્રાંગધ્રા, વાઘોડિયામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે. આ સાથે છેલ્લા 24 કલાકમાં વીજળી પડતા કારણે બેના મોત નિપજ્યા છે.