GUJARAT

પતંગ બજારમાં જોવા મળતી શુસ્તીને લઇને વેપારી, પતંગ બજાર પર નભતા અનેક પરિવારોની ચિંતામાં વધારો..

 1,904 Total Views

કોરોના મહામારીને કારણે છેલ્લા 9 મહિનાથી વિવિધ પર્વો અસરગ્રસ્ત થયા છે. એવામાં હવે સુરતીલાલાઓના માનીતા પર્વ ઉત્તરાયણને એક મહિનો બાકી છે ત્યારે પતંગ બજારમાં જોવા મળતી શુસ્તીને લઇને વેપારી, પતંગ બજાર પર નભતા અનેક પરિવારોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

સામાન્ય પણે દર વર્ષે દિવાળીના દિવસો પહેલા જ પતંગ બજારમાં હલચલ શરૂ થઇ જાય છે. પરંતુ કોરોનાની અસર અને રાત્રિ કરફ્યૂને કારણે આ વર્ષે ડિસેમ્બર માસનું પખવાડીયુ પૂર થયા બાદ પણ કોઈ પ્રકારની ચહેલપહેલ દેખાઇ નથી. કોરોનાની સ્થિતિને જોતાં પર્વની રંગારંગ ઉજવણી અને ખરીદી મુદ્દે મૂંઝાયેલા પતંગ બજારમાં ચાલુ વર્ષે હમણાં સુધીમાં 40 ટકા વેપાર ઘટયો હોવાનો મત અપાઇ રહ્યો છે.

ઉત્તરાયણ પર્વમાં પતંગ અને દોરીની ખરીદી માટે સુરતનું પતંગ બજાર ભારે જાણીતું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના પતંગરસિયાઓ સુરતથી પતંગ-દોરીની ખરીદી કરવાનું પસંદ કરે છે. સુરતમાં રાંદેરનું દાયકાઓ જૂનું પતંગ બજાર અસ્તિત્વમાં હોવાની સાથે જ ડબગરવાડમાં હોલસેલ-રીટેઇલ ખરીદીનો ધમધમાટ જોવા મળે છે.

સુરતમાં રાંદેરમાં અનેક પરિવારો વર્ષોથી પતંગ બનાવતા હોવાની સાથે જ પતંગરસિયાઓની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ, નડીયાદ, ખંભાત સહિત ઠેરઠેરથી મોટી માત્રમાં પતંગનો જથ્થો આવે છે. તે માટે સુરતમાં ડબગરવાડ અને અન્ય વિસ્તારમાં રહેતા વેપારીઓ આગોતરા આયોજનને આધારે મોટા ઓર્ડર આપી દે છે.

જોકે, ચાલુ વર્ષે હજુ ખરીદી અને ઘરાકીનું ચિત્ર ધૂંધળું હોય પતંગ બજારમાં મોટા ઓર્ડરો આવ્યા જ ન હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે. એટલું જ નહીં, હમણાં સુધીની સ્થિતિને જોતાં 40થી 50 ટકા સુધીનો વેપાર તૂટી ગયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ડબગરવાડમાં પતંગના વેપાર સાથે વર્ષોથી સંકળાયેલા સતીષ છત્રીવાલાએ જણાવ્યુ હતુ કે, સામાન્યપણે પતંગ બજારમાં દિવાળી પહેલાથી કરંટ જોવા મળે છે. દિવાળી વેકેશનના દિવસોમાં પણ સારી એવી ખરીદી થઈ જાય છે. પરંતુ આ વર્ષે સ્થિતિ કાંઇક અલગ જ છે. દિવાળી વેકેશન પૂરુ થયાના એક મહિના પછી પણ હજુ દર વર્ષની માફક હલચલ દેખાઈ નથી. ઘરાકી ખૂબ ઓછી છે. બીજુ કે, રાત્રિ કરફ્યૂને કારણે અન્ય જિલ્લા-શહેરના લોકો સાંજ પછી સુરત આવતા ડરે છે.

પતંગમાં ઓછી ઘરાકી સાથે દોરીની પણ આ જ સ્થિતિ છે. હજું વેપારીઓ પણ જાગ્યા નથી. આ સિવાય આસામમાં પૂરને કારણે કલકત્તામાં વાસ ઓછા આવ્યા છે. એટલે પતંગ બનાવવાની ખાસ લાકડી પણ પૂરતી માત્રામાં નથી. એવામાં પતંગ અને દોરીમાં ભાવ વધારો જોવા મળ્યો છે.

પતંગ બજાર પર નિર્ભર રાંદેરના પરિવારો ઘરાકી મુદ્દે મૂંઝવણમાં

સુરતના પતંગ બજારમાં રાંદેરનું આગવું મહત્ત્વ છે. અહીં દાયકાઓથી અનેક પરિવારો ખુદ પતંગ બનાવે છે. રાંદેર ફકીરવાડ માં રહેતા રમજુબેન પતંગવાલાએ જણાવ્યુ હતુ કે, અમે 6 મહિલાઓ પતંગ બનાવીએ છીએ. અમારા બાપ-દાદાની પેઢીથી આ પતંગનો વેપાર ચાલતો આવ્યો છે. અહીં અમે 75 વર્ષથી પતંગ બનાવીએ છીએ. દિવાળી પહેલા પતંગ બનાવવાની મજૂરી બાદ ખુદનો વેપાર કરીએ છીએ. જોકે, ચાલુ વર્ષે 40 ટકા જેટલો વેપાર તૂટી ગયો છે. આવનારા 15 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. ઘરાકી મુદ્દે જોવા મળતી મૂંઝવણને કારણે અનેક લોકોની હાલત કફોડી થઇ છે.

સુરતમાં 5 હજાર લોકો પતંગ બજાર થકી રોજગારી મેળવે છે

સુરતનું પતંગ બજાર માત્ર ડિસેમ્બર-જાન્યુઆરી સુધી જ ધમધમતું હોય એવું નથી. ઉત્તરાયણ પર્વ બાદ જૂન માસથી ચહેલપહેલ શરૂ થઇ જાય છે. એટલું જ નહીં, નવેમ્બરથી જાન્યુઆરી સુધીના ત્રણ માસમાં દોરીની ઘસામણી સહિતની અનેક બાબતોને જોડતા 5 હજાર લોકો પતંગ બજાર થકી રોજગારી મેળવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના અને રાત્રિ કરફ્યૂની અસરને કારણે આ ૫ હજાર લોકોને દર વર્ષની માફક રોજગારી અને પૂરતું વેતન મળશે કે કેમ એ ચિંતા સૌને સતાવી રહી છે. બીજીબાજુએ હાલમાં રાત્રિ કરફ્યૂ 9 વાગ્યાની જગ્યાએ 11 વાગ્યાથી શરૂ થાય તો પતંગ બજારના વેપારને મોટી રાહત મળશે એવું પણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.