GUJARAT

ભારતમાં પ્રત્યાર્પણ રોકવા મેહુલ ચોક્સીએ લંડનના ચાર વકીલ રોક્યા

 933 Total Views

ચોક્સીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, હોસ્પિટલમાં દાખલ
મેહુલ ચોક્સી હજી પણ ભારતીય નાગરિક છે, ભાગેડૂ હોવાથી તેનું ભારતમાં પ્રત્યાર્પણ થવું જોઈએ : ઈડી
ડોમિનિકા, તા.૩૧

ભાગેડૂ હીરા વેપારી અને પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકામાં સરકારી ક્વૉરન્ટાઈન કેન્દ્રમાં ખસેડયાના બીજા દિવસે તેને ટાપુ રાષ્ટ્રના રોસેયુ શહેરમાં એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજીબાજુ ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટે મેહુલ ચોક્સીએ લંડનના ચાર મોટા વકીલોને રોક્યા છે, જે ટૂંક સમયમાં ડોમિનિકા પહોંચશે.

ડોમિનિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેહુલ ચોક્સીને ડોમિનિકા ચીન ફ્રેન્ડશિપ હોસ્પિટલમાં દાખલ કરાયો છે તેમ તેના વકીલોએ જણાવ્યું હતું. તેને હોસ્પિટલમાં પોલીસની ભારે સલામતી હેઠળ એક રૂમમાં રખાયો છે. ત્રણ વર્ષમાં પહેલી વખત ચોક્સીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બીજીબાજુ ડોમિનિકાની કોર્ટ બીજી જૂને મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ સંબંધિત કેસની સુનાવણી કરવાની છે. ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ અટકાવવા માટે લંડનમાંથી ચાર મોટા વકીલો વિશેષથ વિમાનમાં ડોમિનિકા પહોંચશે અને બીજી જૂને ડોમિનિકન હાઈકોર્ટમાં થનારી સુનાવણીમાં હાજર રહેશે. દરમિયાન ભારતીય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોર્ટમાં અરજી કરશે કે મેહુલ ચોક્સી પાસે એન્ટીગા અને બારબુડાનો પાસપોર્ટ હોવા છતાં તે ભારતીય નાગરિક છે અને તેણે ડોમિનિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી. તે ભાગેડૂ હોવાથી અને ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પાઠવી હોવાથી તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવું જોઈએ.

એન્ટીગા ન્યૂઝરૂમ દ્વારા જાહેર કરાયેલા ફોટાઓમાં ચોક્સીને જેલના સળિયા પાછળ દર્શાવાયો હતો જ્યારે તેના હાથ પર માર માર્યાના નિશાન હતા અને તેની આંખો લાલ દેખાતી હતી. ચોક્સીના વકીલોએ દાવો કર્યો હતો કે મેહુલ ચોક્સીનું એન્ટીગા અને બારબુડામાં જોલી હાર્બર ખાતેથી અપહરણ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published.