947 Total Views
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ પોતાની કૃપાદ્રષ્ટિ ઉતારી છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ વરસાદ નહીંવત પડ્યો છે. પરંતુ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે મોડીસાંજથી મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે આજે વહેલી સવારથી એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોની વાત કરીએ તો, આજે વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી બાજુ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે માઝા મૂકી છે. અમદાવાદના છેડે સાણંદ સહિતના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદ શરૂ થયો છે. આ સિવાય ચાંગોદર, નવાપુરા, સનાથલ, ગીબપુરા, ગોરજ, સોયલા, પીંપણ, ઈયાવા ગામમાં વરસાદ શરૂ થયો છે. ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત લોકો અને ખેડૂતો વરસાદ થતાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.
ગુજરાતમાં 16 કલાકમાં 173 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 16 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં રાણાવાવમાં 7.5 ઈંચ, પોરબંદરમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં 6.5 ઈંચ, કુતિયાણામાં 5 ઈંચ, વિસાવદરમાં 4.5 ઈંચ, સુત્રાપાડામાં 4 ઈંચ, ચીખલી, પારડી, મેંદરડામાં 4 – 4 ઈંચ વરસાદ પડ્યો છે. આજે 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને 37 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. પરંતુ, આનંદની વાત એ છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં પાણીની તંગી નહીં, ૨૦૬ ડેમોમાં ૪૫.૮૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો
ગુજરાતમાં આ વખતે ઉનાળામાં પાણીને લઈ મોટી કાગારોળ મચી નથી, રાજ્યના ડેમોમાં અત્યારે ૪૫.૮૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સૌથી વધુ પાણી મધ્યગુજરાતના ૧૭ ડેમોમાં ૪૬.૧૩ ટકા છે, ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૭.૦૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૪૫.૯૩ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં ૨૬.૮૧ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૦ ડેમોમાં ૨૭.૯૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૯ ટકા પાણી છે. એકંદરે ૨૦૬ ડેમમાં ૪૫.૮૫ ટકા પાણી છે.