1,337 Total Views
ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ પહેલા જ રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીની સિઝનમાં સરેરાશ મોસમનો 25.60% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સૌથી વધુ 51.39% વરસાદ કચ્છમાં પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે.
ખંભાળિયામાં 12 કલાકમા 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં 12 ડેમ 100 ટકા ભરાયા છે અને 25 ડેમો હાઇ એલર્ટ પર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર અને તેની આસપાસ વેલમાર્ક્ડ લૉ પ્રેશર યથાવત્ છે. જેના પગલે બુધવારે જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, મોરબી, દીવ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેની સંભાવના છે. ગુરૂવારે દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે 10થી 13 જુલાઇ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.’