1,008 Total Views
વડાપ્રધાન સાથેની મીટિંગમાં 16 પાર્ટીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર
જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ફરી એક વખત પલટો આવી શકે છે. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓની એક મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના અનેક નેતાઓ પણ સામેલ થઈ શકે છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાને લઈને ચર્ચા થાય તેવી સંભાવના છે.
ઓગષ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. આ ઘટનાના બે વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકીય ઘર્ષણનો અંત લાવવા કેન્દ્રની આ પ્રથમ મોટી પહેલ માનવામાં આવે છે. આ મીટિંગમાં જમ્મુ અને કાશ્મીર એમ બંને ક્ષેત્રના નેતાઓને બોલાવવામાં આવ્યા છે.
શુક્રવાર સુધીમાં જમ્મુ કાશ્મીરની 9 રાજકીય પાર્ટીઓને મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ વડાપ્રધાન સાથેની મીટિંગમાં 16 પાર્ટીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી ઔપચારિક આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ મીટિંગમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અંગે અને વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે.
એક અહેવાલ પ્રમાણે કેન્દ્રએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોનને મીટિંગમાં આમંત્રણ આપ્યું છે. ઓલ પાર્ટી મીટિંગમાં જમ્મુ કાશ્મીરના ભાજપા અને કોંગ્રેસના નેતાઓ સામેલ થાય તેવી પણ શક્યતા છે.
અગાઉ ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક હાઈલેવલ બેઠક બોલાવી હતી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના નિદેશક અરવિંદ કુમાર, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબલ્યુ)ના પ્રમુખ સામંત કુમાર ગોયલ, સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ તથા જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સામેલ થયા હતા.