1,742 Total Views
ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે 1929માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેઓનો જન્મ થયો હતો. અવાજના જાદૂથી લોકોના હૃદય પર રાજ કરનાર લતાજી સાત દશકથી ગીતની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં 30000થી વધુ ગીતોમાં કંઠ આપ્યો છે. ત્યારે આજે જાણો તેમના જીવનની કેટલીક એવી વાતો વિશે જેનાથી આજસુધી સૌ કોઈ છે અજાણ.
લતા મંગેશકર ક્લાસિકલ ગાયક અને થિયેટર આર્ટિસ્ટ દીનાનાથ મંગેશકરની દીકરી છે. લતાજી તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉષા અને ભાઈ હૃદયનાથ મંગેશકરમાં સૌથી મોટા બહેન છે. લતાજીનું નામ જન્મથી હેમા હતું, પરંતુ થિયેટરમાં તેમણે ‘લતિકા’ નામનું પાત્ર ભજવ્યું હતુ જ્યાર પછી તેમનું નામ લતા રાખવામાં આવ્યું. લતાજીએ પાંચ વર્ષની ઉંમરથી જ સંગીતની શિક્ષા લેવાનું શરૂ કરી દીધું હતુ. લતાજી 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ જતાં પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી.લતા મંગેશકરે સૌથી પહેલા ફિલ્મોમાં એક્ટિંગ કરવાથી કારર્કિદીની શરૂઆત કરી હતી. તેમણે સૌથી પહેલા ‘પહલી મંગલા ગૌર’ નામની મરાઠી ફિલ્મમાં કામ કર્યું હતુ.
વર્ષ 1945માં લતાજી પોતાના ભાઈ-બહેનોને લઈ મુંબઈ આવી ગયા અને ઉસ્તાદ અમાનત અલી ખાન પાસેથી ક્લાસિકલ ગાયનની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. એક વર્ષ બાદ ‘આપકી સેવા મે ‘ફિલ્મમાં તેમણે પહેલું ગીત ‘પા લાગૂ કર જોરી’ ગીત ગાયું હતુ. જો કે આજે લતાજી પાસે ગીત ગવડાવવા માટે પ્રોડ્યૂસરોની લાઈન લાગેલી હોય છે પરંતુ સશધર મુખર્જીએ લતા મંગેશકરને તેની ફિલ્મ ‘શહીદ’ માટે ગાયિકા તરીકે લેવાની ના કહી દીધી હતી.લતા મંગેશકરને સૌથી મોટો બ્રેક મ્યૂઝિક ડાયરેક્ટર ગુલામ હૈદરે આપ્યો હતો. તેમણે ફિલ્મ મજબૂરમાં ‘દિલ મેરા તોડા, કહીં કા ના છોડા’ ગીત ગાયું હતુ જેની ખૂબ સરાહના થઈ હતી. લતાજી જ્યારે 32 વર્ષના હતા ત્યારે તેમને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. આ વાતનો ઉલ્લેખ પદ્મા સચદેવે તેમના પુસ્તકમાં કર્યો છે. જો કે આ કામ કોણે કર્યું હતુ તે આજ સુધી કોઈને જાણ થઈ શકી નથી. પરંતુ આ ઘટના બાદ તેમનો કૂક ફરાર થઇ ગયો હતો.
લતા મંગેશકરે 1942થી 7 દશકમાં 1000થી વધુ હિંદી ફિલ્મોમાં અને 36થી વધુ અન્ય ભાષાના ગીત ગાયા છે. તેઓને 2001માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા અને તેઓ પદ્મ ભૂષણ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ વિભૂષણથી પણ સન્માનિત છે.