904 Total Views
લખીમપુર ખેરી કેસનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા આજે ક્રાઈમ બ્રાંચ સમક્ષ નહોતો ઉપસ્થિત રહ્યો. આશિષ મિશ્રા ક્યાં ગાયબ છે તેની હાલ કોઈને પણ જાણ નથી. આશિષ સંતાયો હોવાની આશંકા વચ્ચે તેના ભાઈ અમિત મિશ્રાનું નિવેદન સામે આવ્યું છે. અમિતે કરેલા દાવા પ્રમાણે આશિષ ટૂંક સમયમાં જ તપાસમાં સામેલ થશે.
આશિષના પિતરાઈ ભાઈ અમિતના કહેવા પ્રમાણે ભાગવાની કોઈ વાત નથી. આશિષ એસઆઈટી સામે રજૂ થશે. હાલ નહીં તો સાંજ સુધીમાં આશિષ એસઆઈટી સામે પહોંચશે. સંતાવાની પણ કોઈ વાત નથી. આ કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલો પ્રોપેગેન્ડા છે. ઘટના બની તે સમયે આશિષ બનવીરપુરમાં હતો, મતલબ કે ઘટના સ્થળે નહોતો.
અમિતના કહેવા પ્રમાણે આશિષ બહાર ભાગી ગયો એ બધી વાતો મનઘડંત છે. તે કોઈ ગુનેગાર નથી કે બહાર ભાગી જાય અને વીડિયોમાં એવું કશું નહોતું દેખાઈ રહ્યું, થાર ચલાવનારો ડ્રાઈવર હતો જેનું મૃત્યુ થયું છે. આશિષે જે પુરાવા આપવાના હતા તે આપી ચુક્યો છે. પોલીસે કાલે મોડી રાતે સમન જાહેર કર્યા છે અને અમે તેમના સંપર્કમાં નથી પરંતુ તે એસઆઈટી સામે ચોક્કસથી રજૂ થશે.
આશિષ મિશ્રાના અન્ય એક ભાઈ અભિજાત મિશ્રાના કહેવા પ્રમાણે હાલ આશિષ લખીમપુરમાં ઉપસ્થિત નથી પરંતુ આવ્યા બાદ પોલીસને પૂરો સહયોગ આપશે.
પોલીસ આશિષ ઉપરાંત સુમિત જૈસવાલને પણ શોધી રહી છે. આશિષ પાંડેય અને લવ કુશના નિવેદનોના આધારે સુમિતની તલાશી શરૂ કરવામાં આવી છે.