606 Total Views
કાનપુરનાં ચૌબેપુર ખાતે બિકરું ગામમાં ગયા શુક્રવારે ૮ પોલીસની ઘૃણાજનક હત્યા કરીને ફરાર થઈ ગયેલા ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા યુપી પોલીસ હજી હવાતિયાં મારી રહી છે. ઘટનાના પાંચમા દિવસે પણ ૪૦ થાણાની પોલીસો વિકાસ દુબેની ભાળ મેળવી શકી નથી. જો કે વિકાસ સાથે નિકટનું સગપણ ધરાવતી વહુ સહિત ત્રણને પકડવામાં આવ્યા છે. આમ આ ઘટનામાં કુલ ચાર લોકોની ધરપકડ કરાઈ છે. પકડવામાં આવેલા ત્રણના નામ સુરેશ વર્મા, ક્ષમા દુબે અને રેખા અગ્નિહોત્રી છે.
દુબે સાથે નિકટનું સગપણ ધરાવતી ક્ષમા દુબેની આ ઘટનામાં સક્રિય ભૂમિકા હતી. સુરેશ વર્મા પોલીસ છુપાયાની બાતમી આપતો હતો તેમજ બદમાશોને પ્રોત્સાહન આપતો હતો. ઘરની નોકરાણી રેખા હરિશંકર અગ્નિહોત્રીની પત્ની છે જેણે પોલીસ આવ્યાની જાણ દુબેના સાગરીતોને કરી હતી. ચૌબેપુર પોલીસ મથકના શકમંદ કર્મચારીઓના ફોન જપ્ત કરીને વિકાસ દુબે સાથેની વાતચીતની વિગતો પોલીસ મેળવી રહી છે. બીજી તરફ વિકાસ દુબેની પત્ની ઋચા દુબે સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે સાઠગાંઠ ધરાવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
વિકાસની પત્ની ઋચા મોબાઈલ પર એન્કાઉન્ટર લાઈવ જોતી હતી : પોલીસ દ્વારા શોધખોળ
કાનપુર હત્યાકાંડમાં દરરોજ નવી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પોલીસનાં દરોડા વખતે વિકાસની પત્ની ઋચા મોબાઈલ પર એન્કાઉન્ટર લાઈવ જોતી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ ઘટના પછી તે પોતાનાં પુત્રને લઈને ગામમાંથી ફરાર થઈ ગઈ છે. હવે પોલીસ ઋચા દુબેની શોધ ચલાવી રહી છે. એવું માનવામાં આવે છે કે વિકાસનાં ઘરની સીસીટીવીનું ડીવીઆર ઋચા પાસે છે.
વિકાસ દુબેની તલાશીમાં ફરિદાબાદની હોટેલમાં રેડ : સાથી ઝડપાયો
હરિયાણાના ફરિદાબાદની એક હોટેલમાં વિકાસ દુબે છુપાયો હોવાની બાતમી મળતાં પોલીસે રેડી પાડી હતી પરંતુ તે મળ્યો નહોતો. જોકે પોલીસે તેના એક સાથીદારની ધરપકડ કરી લીધી છે. પોલીસને શક હતો કે વિકાસ હોટલમાં હાજર હતો. કાનપુરના મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેની તલાશમાં ફરિદાબાદના બડખલ ચોકમાં આવેલા ઓયો ગેસ્ટ હાઉસમાં દરોડા પાડયાં હતા.
વિકાસ દુબેની નિકટની મમતા દુબેની પૂછપરછ
પોલીસને વિકાસ દુબેના ઘરમાંથી શક્તિશાળી બોમ્બ મળ્યા છે. પોલીસ આ ઘટનામાં વિકાસ દુબેની નિકટની મમતા દુબેની પૂછપરછ કરી રહી છે. પોલીસે ગામની અનેક મહિલાઓની પૂછપરછ કરી છે. મોટાભાગના પુરુષો ગામમાંથી પલાયન થઈ ગયા છે.
હત્યાકાંડમાં શહીદ થયેલા CO દેવેન્દ્ર મિશ્રાએ વિકાસ દુબેની ફરિયાદ કરતો પત્ર પોલીસ અધિકારીને લખ્યો હતો. આ પત્રની તપાસ કાનપુર ઝોનના ADG પાસેથી આંચકી લઈને લખનઉ ઝોનના IG લક્ષ્મીસિંહને સોંપવામાં આવી છે. જો કે પોલીસે દાવો કર્યો છે કે આવો કોઈ પત્ર રેકોર્ડ પર છે જ નહીં. આ ઘટનામાં ૨૦૦ પોલીસો શંકાના દાયરામાં છે.