724 Total Views
ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. આવતી કાલે ગુરૂવારે બન્ને નેતાઓની મુલાકાતને લઈ ચર્ચા થશે. બન્ને દેશોના નેતાઓની મુલાકાત રશિયાના મોસ્કો શહેરમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં યોજાય તેવી શક્યતા છે.
સરહદે ચાલી રહેલા ભારે ગતિરોધની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ SCO બેઠકમાં હિસ્સો લેવા માટે રશિયા પહોંચ્યા છે. અહીં તેમની મુલાકાત ચીની સમકક્ષ વાંગ યી સાથે થશે. બંને દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચેની બેઠકમાં જ નિર્ણય લેવાશે કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગની મુલાકાત થશે કે કેમ.
આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રશિયામાં જ SCO દરમિયાન પોતાના ચીની સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. ચીને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરવા માટે રજૂઆત કરી હતી. બે કલાકથી વધુ સમય સુધી ચાલી સિંહ અને ફેગહીની બેઠક- 4 સપ્ટેમ્બરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીની રક્ષા મંત્રી વેઈ ફેંગહીની વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી જેમાં પૂર્વ લદાખમાં સરહદ પર તણાવને ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રીત રહ્યું. પૂર્વ લદાખમાં મે મહિનામાં સરહદ પર થયેલા તણાવ બાદથી બંને દેશો તરફથી આ પહેલી ઉચ્ચ સ્તરીય બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું કે મંત્રણા દરમિયાન સિંહે પૂર્વ લદાખમાં યથાસ્થિતિને કાયમ રાખવા અને સૈનિકોને ઝડપથી હટાવવા પર ભાર મૂક્યો.
પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર આ વર્ષે મે મહિનાથી ગતિરોધ ચાલુ છે. જૂનમાં 20 ભારતીય સૈનિકોની શહાદત બાદ ડિ-એક્સેલેશનની પ્રક્રિયા શરુ થઈ હતી. જોકે થોડા દિવસથી તે પણ અટકેલી છે. બીજી તરફ વિભિન્ન ડિપ્લોમેટિક અને સૈન્ય ચેનલોથી ભારત-ચીનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.