GUJARAT

ભારત બંધઃ જામના કારણે દિલ્હી-NCRની હાલત ખરાબ, ગુરૂગ્રામમાં ગાડીઓની લાઈન

 1,029 Total Views

– ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ લોકોને વિનંતી કરી હતી કે, સાંજના 4:00 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળતા નહીં તો જામમાં ફસાઈ જશો

ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરેલી છે. ખેડૂત સંગઠનોનું આ ભારત બંધ સવારે 6:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની સરહદોએ પહેલેથી જ હજારો ખેડૂતો ઉપસ્થિત છે તેવામાં હવે ભારત બંધના એલાનના કારણે દિલ્હી, યુપી અને આસપાસના વિસ્તારોમાં જામની સ્થિતિ છે.

દિલ્હી-ગુરૂગ્રામ સરહદેથી સોમવારે સવારે એક ખૂબ જ ચોંકાવનારી તસવીર સામે આવી છે. બોર્ડર પર ગાડીઓની ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને રસ્તા પર હજારો ગાડીઓ દેખાઈ રહી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ છે, તેવામાં આજે સોમવારના કારણે ઓફિસ જવા માગતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને ગુરૂગ્રામ બોર્ડર પર ભયાનક જામ જોવા મળી રહ્યો છે.

આ રૂટની સ્થિતિ ભયાનક

દિલ્હી, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ, નોએડા કે આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અથવા તો રસ્તો જ બંધ છે.

*યુપી-ગાઝીપુર બોર્ડર પર સંપૂર્ણપણે ટ્રાફિક બંધ
* લાલ કિલ્લાની આસપાસનો રસ્તો બંધ, છત્તા રેલ-સુભાષ માર્ગ પણ બંધ
* દિલ્હી-નોએડા માટે ડીએનડીનો ઉપયોગ, ગાઝિયાબાદ માટે વિકાસ માર્ગ (ડાયવર્ઝન)
* પંડિત શ્રી રામ શર્મા મેટ્રો સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ બંધ

આ રૂટ સિવાય પણ અનેક જગ્યાએ ખેડૂતોના પ્રદર્શનની અસર જોવા મળી રહી છે. દિલ્હી-અમૃતસર હાઈવે, દિલ્હી-અંબાલા, દિલ્હી-ચંદીગઢના રસ્તાઓ પર ખેડૂતોએ માર્ગ પર જ જામ લગાવી દીધો છે. દિલ્હીની ગાઝીપુર બોર્ડર, સિંધુ બોર્ડર, એન-એચ 9, એન-એચ 24 પર પણ ખેડૂતોના પ્રદર્શનના કારણે જામ લાગ્યો છે.

ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે હરિયાણાના બહાદુરગઢ ખાતે રેલવે ટ્રેક પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિહારના પટના ખાતે પણ રાજદના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં રસ્તાઓ પર ઉતર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ લોકોને વિનંતી કરી હતી કે, સાંજના 4:00 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળતા નહીં તો જામમાં ફસાઈ જશો. જોકે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, કોઈ પણ એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ જરૂરી વાહનને નીકળવા માટે રસ્તો આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.