1,024 Total Views
દેશમાં ડુંગળીની વધી રહેલી કિંમતોને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં છે. ડુંગળીના વધી રહેલા ભાવોને જોતાં કેન્દ્ર સરકારે ડુંગળી પર સ્ટોક લિમિટ નિયમ અમલી કરી દીધો છે. ડુંગળીના જથ્થાબંધ વેપારી હવે માત્ર ૨૫ મેટ્રિક ટન ડુંગળીનો જથ્થો સ્ટોકમાં રાખી શકશે. ડુંગળીનો રિટેલ વેપારી માત્ર બે મેટ્રિક ટન ડુંગળીનો સ્ટોક રાખી શકશે. આટલું જ નહીં બજારોમાં ડુંગળીની આવક વધારવા એમએમટીસી ૧૦,૦૦૦ મેટ્રિક ટન ડુંગળીની આયાત માટે ટેન્ડર જારી કરશે. ખાનગી કંપનીઓ દ્વારા થનારી આયાત ઉપરાંત એમએમટીસી લાલ ડુંગળીની પણ આયાત કરશે.
દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૧૦૦ને પાર કરી ગયા છે. વધી રહેલી કિંમતોને કાબૂમાં લેવા ડુંગળીની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. સ્ટોક લિમિટથી વધુ જથ્થો રાખનાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નાફેડ દ્વારા ૪૨,૦૦૦ ટન ડુંગળીનું વેચાણ
નાફેડે અત્યારસુધીમાં ૪૨,૦૦૦ ટન ડુંગળીનું વેચાણ કર્યું છે. નાફેડ પાસે હજીપણ ૨૦ થી ૨૫ હજાર ટન ડુંગળીનો સ્ટોક પડેલો છે. નાફેડે આ વર્ષે ડુંગળીનો ૯૮ હજાર ટનનો સ્ટોક કર્યો હતો. એમએમટીસી ડુંગળી આયાત માટે આવતીકાલે ટેન્ડર જારી કરશે. વરસાદને કારણે ૬ લાખ મેટ્રિક ટન ડુંગળી ઉત્પાદન પ્રભાવિત થયું છે. ડુંગળી ઉત્પાદક રાજ્યોએ આ માહિતી આપી છે. સંગ્રહાખોરોએ કેટલી ડુંગળીનો સંગ્રહ કર્યો છે તેના આંકડા સરકાર પાસે નથી.
આગામી સમયમાં ડુંગળીના ભાવ હજી પણ વધવાના સંકેત
કેટલાક વિસ્તારોના બજારોમાંથી નીકળીને ડુંગળી રૂપિયા ૧૫૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહી છે. ટામેટાંના ભાવ પણ પ્રતિકિલો રૂપિયા ૯૦ને આંબી ગયા છે. શાકભાજી વેચી રહેલા દુકાનદારોનું કહેવું છે કે ડુંગળી અને ટામેટાંના ભાવ પ્રતિકિલો રૂપિયા ૧૦ થી ૨૦ વધી શકે છે. તેમના મતે સંગ્રહાખોરીને કારણે આવું બની રહ્યું છે. જોકે જથ્થાબંધ બજાર અને લારી પર વેચાઇ રહેલી ડુંગળી-ટામેટાંના ભાવ વચ્ચે ખાસ્સું અંતર છે. કારણ ગમે તે હોય પરંતુ સામાન્ય માનવીનું બજેટ ખોરવાયું છે. બીજી તરફ ગ્રાહક બાબતોના સચિવ લિના નંદને જણાવ્યું કે, સરકાર દ્વારા દિવાળી નજીક હોવાથી જીવનજરૂરી વસ્તુઓના કાયદા હેઠળ જ ડુંગળીના ભાલમાં સતત વધારો અને મોટો વધારો કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.