GUJARAT

વડોદરા કોર્ટમાં આધેડે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી

 607 Total Views

વકીલોએ આગ ઓલવીને આધેડને હોસ્પિટલ મોકલ્યો : કોર્ટ પરિસરમાં પાર્ક વાહનમાંથી પેટ્રોલ કાઢ્યું હોવાની આધેડની કેફિયત, કોર્ટ સુરક્ષા સામે સવાલ
વડોદરા : કોર્ટમાં આજે બપોરે એક આધેડે ‘મને ન્યાય નથી મળતો’ એવી બુમો પાડીને શરીરે આગ લગાવી દીધી હતી જેના પગલે ચાલુ કોર્ટે દોડધામ થઇ ગઇ હતી. વકીલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવી નાખી હતી જે બાદ આધેડને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર આધેડની ઓળખ ઇન્દ્રવદન દિનકરરાય દવે તરીકે થઇ છે. તેની ઉમર ૫૮ વર્ષની છે અને વાઘોડિયા રોડ ઉપર રહે છે તેવુ તે કહેતો હતો. ઘટના સ્થળે હાજર બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટનુ કહેવુ છે કે આધેડે પોતાના પર આગ લગાવ્યા બાદ બુમો પાડતો હતો. હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે તે એવુ કહેતો હતો કે ‘મને ન્યાય મળતો નથી. મને મરી જવા દો’ પોલીસ જ્યારે તેને એમ્બ્યુલન્સમાં બેસાડી રહી હતી ત્યારે પણ તે પોલીસને કહેતો હતો કે ‘મને ન્યાય મળતો નથી એટલે મને સળગાવીને મારી નાખો’

આધેડ ઇન્દ્રવદન દવેનું કહેવુ છે કે આત્મવિલોપન કરવા માટે તેણે કોર્ટમાં પાર્ક કરેલા વાહનમાંથી પેટ્રોલ એક બોટલમાં લીધુ હતુ અને પછી પહેલા માળે આવી પેટ્રોલ પોતાના શરીર ઉપર છાંટીને લાઇટરથી આગ લગાવી દીધી હતી જેના કારણે તે પીઠના ભાગે દાઝી ગયો હતો. પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. વડોદરા કોર્ટ પરિસરમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાથી કોર્ટની સુરક્ષા બાબતે પણ સવાલ ઉભો થયો છે. કોર્ટમાં સેંકડો વાહનો પાર્ક કરેલા હોય છે જેમાંથી કોઇ પણ વ્યક્તિ પેટ્રોલ ડિઝલની ચોરી કરીને આવી ઘટનાનો અંજામ આપે તો જ્જ અને વકીલોની સુરક્ષા જોખમમાં મુકાઇ શકે છે.

આધેડનો વિલાપ ભાણિયાઓએ મારા ભાઇ સાથે છેતરપિંડી કરીને દાગીના, પૈસા પડાવી લીધા

મારા ભાણિયાઓએ મારી માતાને બીજા જોેડે પરણાવી દીધી, મારે જાણવું છે કે કોની સાથે પરણાવી છે

વડોદરા કોર્ટમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર આધેડ ઇન્દ્રવદન દવેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં રડતા રડતા તે પોતાની વ્યથા કહી રહ્યો હતો કે ‘મારા ભાણિયાઓએ મારા ભાઇ સાથે છેતરપિંડી કરીને દાગીના તથા પૈસા પડાવી લીધા છે તેની સામે તેઓએ ચેક આપ્યો હતો પરંતુ તે ચેક રિટર્ન ગયો છે. મારા ભાણિયાઓએ મારી માતાને બીજા જોડે પરણાવી દીધી છે. મારે જાણવુ છે કે મારી માતા ક્યા છે. મારે ન્યાય જોઇએ છે. ન્યાય મળતો નથી એટલે મારે આત્મહત્યા કરવી છે. હું એકલો જ રહું છુ પણ છેલ્લા ૧૦ દિવસથી વાઘોડિયારોડ ઉપર મારા ભાઇ ભાભીની ઘરે રહેવા માટે આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published.