903 Total Views
પત્નીના જમાઈ સાથે આડાસંબંધ હોવાનો વહેમ રાખી ઘરમાં અવારનવાર ઝઘડો કરનાર પતિનો કાંટો કાઢી નાંખવા તેની ઠંડા કલેજે હત્યા કરનાર સાસુ અને જમાઈને અત્રેની અદાલતે આઈપીસી કલમ 302 મુજબ ગુનેગાર ઠેરવી બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી.
અમરોલી સ્થિત શ્રીરામ ચાર રસ્તા પાસે માલધારી સોસાયટીના કોમન પ્લોટમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. તા. 20મી જુલાઈ, 2015ને દિવસે વહેલી સવારે કોલ મળતાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરતાં મૃતકનું નામ કોદર દુલીયા ભગોરા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ ઉપર તેમની પત્ની શુકન કોદરભાઈ ભગોરા અને જમાઈ શિવા ભાનજી મહીડા ઉપસ્થિત હતા. પોલીસે બંનેની કડકાઈથી પૂછપરછ કરતાં સાસુ-જમાઈનો ભાંડો ફૂટી ગયો હતો.
મૃતદેહ મળી આવ્યો તેની આગલી રાતે કોદર ભગોરા અને તેમની પત્ની શુકન વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની શુકનના જમાઈ શિવા સાથે આડો સંબંધ હોવાની કોદરભાઇને શંકા હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. બનાવને દિવસે સાંજે આરોપી શકુનબેન મજૂરી કરી જે રૃપિયા કમાયા હતા તે કોદરભાઇએ તેમની પાસેથી લઇ જતા રહ્યાં હતા. થોડા સમય બાદ તે ફરી ઘરે આવી પત્ની સાથે જમાઇ સાથે ગાળાગાળી કરી હતી. કોદરભાઇ ઉશ્કેરાઇ જઇ પત્ની શકુનને માથામાં ઇંટ મારી હતી.
કોદરભાઇએ હુમલો કરતા શકુનબેન અને તેમનો જમાઇ શિવા બંને ઉશ્કેરાયા હતા. શિવાએ કોદરાભાઇને જમીન પર પાડી દઇ પથ્થરના રોડા વડે માથાના ભાગે તથા છાતી ઉપર હુમલો કર્યો હતો. પથ્થરથી ગંભીર રીતે ઘવાયેલા કોદરભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. થોડા જ સમયમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘાતકી હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા સાસુ-જમાઇએ લાશને કોસાડ વોટર વર્કસ નજીક ખુલ્લા મેદાનમાં પડી હોવાનું અને તેને ત્યાંથી ઝૂંપડામાં લાવ્યા હોવાની વાત ઉપજાવી કાઢી હતી. કુદરતી હાજતે ગયેલા કોદરભાઇને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોત નીપજ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પોલીસ તપાસમાં આ હકીકતનો ભાંડો ફૂટી જતાં અમરોલી પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
આ કેસ અત્રેની અદાલતમાં ચાલી ગયો હતો. કોર્ટે સરકારી એડવોકેટ અરવિંદ વસોયાની દલીલો ગ્રાહ્ય રાખી હતી. સાથોસાથ રેકર્ડ પરના પુરાવાઓને માન્ય રાખી આડાસંબંધમાં થયેલી હત્યા કેસમાં સંડોવાયેલા સાસુ-જમાઇ બંનેને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.