GUJARAT

પાંચ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 5.33 લાખ કરોડનો તોતિંગ વધારો

 824 Total Views

સેન્સેક્સે 56,000ની સપાટી કૂદાવી

નિફ્ટી પણ 16701ની સર્વાધિક ટોચે : તેજીના માહોલમાં વિદેશી રોકાણકારોની વેચવાલી

બીએસઇ માર્કેટકેપ વધીને 242.08 લાખ કરોડની વિક્રમી સપાટીએ

અમદાવાદ : વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજારમાં આજે સેન્સેક્સે 56,000ની સપાટી પ્રથમ વખત કૂદાવી હતી. શેરબજારમાં એકધારી તેજીના પગલે છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 5.33 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

દેશમાં સંક્રમણમાં ઘટાડાની સાથોસાથ અર્થતંત્રમાં વૃદ્ધિ થવા સાથે બિઝનેસ એક્ટિવીટી અને રીટેલ વેચાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થતા બજારના મોરલમાં સુધારો નોંધાયો હતો. આ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલીએ આજે વધુ એક વિક્રમ રચાયો હતો.

મુંબઈ શેરબજાર ખાતે આજે શરૂઆત જ સેન્સેક્સ 56,000ની સપાટી કૂદાવીને થઈ હતી અને ઇન્ટ્રાડે વધીને 56118.57ની ઑલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો. જો કે પાછળથી નફારૂપી વેચવાલીના દબાણે ઉંચી સપાટી ગુમાવી કામકાજના અંતે 162.78 પોઇન્ટ ઘટી 55629.49ની સપાટીએ નરમ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને 16710.85ની નવી ઑલટાઇમ હાઇ સપાટી રચી નફારૂપી વેચવાલીના દબાણે કામકાજના અંતે 45.75 પોઇન્ટ ઘટીને 16568.85ની સપાટીએ નરમ રહ્યો હતો.

સેન્સેક્સે આજે પ્રારંભિક તબક્કામાં 56118ની વિક્રમી સપાટીએ પહોંચતા તે વખતે રોકાણકારોની સંપત્તિ (બીએસઇ માર્કેટ કેપ.) વધીને રૂા. 242.08 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી હતી. જો કે, કામકાજના અંત તે રૂા. 240.86 લાખ કરોડ રહી હતી. સેન્સેક્સમાં સતત સુધારાના પગલે છેલ્લા પાંચ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 5.33 લાખ કરોડનો વધારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published.