GUJARAT

આણંદ જિલ્લામાં દારૂખાનાના વેચાણનો પરવાનો મેળવવા 75 અરજીઓ આવી

 712 Total Views

– મામલતદારનો સ્થળ તપાસનો આદેશ

– મામલતદાર અને પોલીસ મથકમાંથી રિપોર્ટ આવ્યા બાદ હંગામી ધોરણે દારૂખાના વેચવા પરવાના અપાશે

આણંદ : દિવાળી પર્વ ટાંણે દારૂખાનાના વેચાણ અર્થે હંગામી પરવાના લેવા માટે આણંદની પ્રાંત કચેરીમાં કુલ ૭૫ અરજીઓ આવી છે. આ તમામ અરજીઓ માટે જે તે વિસ્તારના મામલતદારાને સ્થળ તપાસના આદેશ કરાયા છે. મામલતદાર તથા પોલીસ મથકમાંથી રીપોર્ટ આવ્યા બાદ દારૂખાના હંગામી વેચાણ અર્થે પરવાના આપવામાં આવશે.
દિવાળી પર્વમાં ફટાકડાની ભારે માંગ રહેતી હોય છે. જેને લઈ ઠેર-ઠેર દારૂખાનાનું વેચાણ શરૂ થતું હોય છે. થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં દારૂખાનાના વેચાણ માટે હંગામી પરવાના લેવા માટે તંત્ર દ્વારા જાહેરાત કરી વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં આણંદ શહેર, ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાંથી કુલ ૭૫ વેપારીઓની હંગામી પરવાનગી માટે તંત્રને અરજીઓ મળી છે. જેમાં ઉમરેઠ તાલુકામાંથી ૨૧ જ્યારે આણંદ શહેરમાંથી ૨૩ અરજીઓ મળી છે જ્યારે આણંદ તાલુકાના કરમસદ, હાડગુડ, સારસા, વાસદ, મોગરી, જનતા ચોકડી તથા વિદ્યાનગરમાં મળી ૩૧ વેપારીઓએ દારૂખાનાના વેચાણ અર્થે હંગામી પરવાનગી લેવા અરજીઓ કરી છે.

વધુમાં પ્રાંત કચેરી સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે દારૂખાનાના વેચાણના હંગામી પરવાના માટે વધુ અરજીઓ આવી છે પરંતુ તાજેતરમાં આણંદ શહેરમાં બનેલ દારૂખાનાની દુકાનની આગના બનાવને પગલે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મામલતદાર કચેરીમાં આ અરજીઓ તબદીલ કરી સ્થળ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. હંગામી પરવાના માટે મામલતદાર કચેરીનો રીપોર્ટ તેમજ સ્થાનિક પોલીસનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો રજૂ કરાયા બાદ જે-તે વેપારીને ૧૫ દિવસ માટે દારૂખાનાના વેચાણનો હંગામી પરવાનો આપવામાં આવશે.

કેટલાક વેપારીઓએ દારૂખાનાનો સ્ટોક કર્યાની ચર્ચા

ગત તા.૯મી ઓગષ્ટના રોજ આણંદ નગરપાલિકા નજીક આવેલ મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં લાગેલ પ્રચંડ આગની જ્વાળાઓ તો સમી ગઈ છે પરંતુ તેની યાદ હજી સ્થાનિકોમાં વિરસાઈ નથી ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા શહેરના ભરચક વિસ્તારોમાં દારૂખાનાનો વેપાર કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક વેપારીઓએ અંદરખાને રહેણાંક વિસ્તારમાં ખાનગી રીતે દારૂખાનાનો સ્ટોક કરવાની શરૂઆત પણ કરી દીધા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા તહેવારો ટાંણે લોકોના જીવને જોખમમાં મુકતા આવા વેપારીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published.