1,077 Total Views
૩ દિવસના વિરામ બાદ જાહેર ક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની પ્રતિ લિટર કિંમતોમાં વધારો કરતાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૩૪ પૈસા વધીને રૂ.૮૪.૫૭ પ્રતિ લીટર પહોંચ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ ૩૮ પૈસા વધીને રૂ.૮૩.૪૩ પ્રતિ લીટર થયા હતા. દેશની રાજકિય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થતાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮૭.૩૦ અને ડીઝલની કિંમત રૂપિયા ૭૭.૪૮ની સપાટી પર પહોંચી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૯૩.૮૩ અને ડીઝલની કિંમત રૂપિયા ૮૪.૩૬ પ્રતિ લિટર રહી હતી. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સાદા પેટ્રોલની કિંમત રૂપિયા ૯૭.૭૨ પ્રતિ લિટર રહી હતી જ્યારે પ્રિમિયમ પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૧ને પાર કરી ગઇ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ધરખમ એક્સાઇઝ ડયુટી અને રાજ્યો દ્વારા તોતિંગ વેટ વસૂલાતો હોવાના કારણે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની ક્મત રૂપિયા ૯૦ને પાર કરી ગઇ છે. ભોપાલમાં રૂ. ૯૫.૨૩, પૂણેમાં ૯૩.૯૯, મુંબઇમાં રૂ. ૯૩.૮૩, જયપુરમાં રૂ. ૯૩.૬૩, વિજયવાડામાં રૂ. ૯૩.૬૦ પ્રતિ લિટર નોંધાઇ હતી. દેશના મોટાભાગના શહેરોમાં ડીઝલની કિંમત પણ રૂપિયા ૮૪ને પાર કરી ગઇ હતી. ભોપાલમાંરૂ. ૮૫.૫૩, પૂણેમાં રૂ. ૮૩.૨૪, જયપુરમાં રૂ. ૮૫.૬૪, વિજયવાડામાં રૂ. ૮૬.૮૧, હૈદરાબાદમાં રૂ. ૮૪.૫૨ પ્રતિ લિટર નોંધાઇ હતી.
મેઘાલયમાં ઇંધણો પરના વેટમાં રૂ.બેનો ઘટાડો
મેઘાલયની સરકારે સોમવારથી પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં રૂપિયા બે પ્રતિ લિટરનો ઘટાડો કરતાં રાજ્યની જનતાને કાળઝાળ મોઘવારીમાં રાહત મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી કોનરેડ કે સંગ્માએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂપિયા બે પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર અને રાજ્યના ટેક્સથી પેટ્રોલ, ડીઝલ ૩ ગણા મોંઘાં
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર રૂપિયા ૩૨.૯૮ અને ડીઝલ પર રૂપિયા ૩૧.૮૩ પ્રતિ લિટર એક્સાઇઝ ડયુટી વસૂલવામાં આવે છે. તે ઉપરાંત રાજ્યો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૨૫ ટકા જેવો વેટ વસૂલવામાં આવે છે. તેના કારણે પેટ્રોલ પંપ પર પહોંચતાં જ પેટ્રોલ અને ડીઝલ ૩ ગણા મોંઘા થઇ જાય છે.