GUJARAT

ગાંધીનગરના પ્રથમ નાગરિક હિતેશ મકવાણા

 891 Total Views

કોર્પોરેશનની સામાન્ય સભામાં ૪૧ મતોથી ભાજપના મેયર ચૂંટાયા : પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર તો જશવંતભાઈ પટેલને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવાયા-આપના ઉમેદવારને કોંગ્રેસનું સમર્થન

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે શહેરના નવા મેયર સહિત અન્ય પદાધિકારીઓની વરણી માટે આજે કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હિતેશ મકવાણાને ૪૧ મત મળતાં તેમને ગાંધીનગરના પ્રથમ નાગરિક જાહેર કરાયા હતા તો ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો અને ચેરમેનની પણ વરણી આ જ બેઠકમાં કરી દેવામાં આવી હતી. ગાંધીનગર કોર્પોરેશનમાં હવે આગામી દિવસોથી કામગીરીનો ધમધમાટ પણ જોવા મળશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરમાં જ સંપન્ન થયેલી ચૂંટણી બાદ ભાજપે ૪૧ બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી લીધી હતી. જયારે કોંગ્રેસ પાસે બે અને આમ આદમી પાર્ટી પાસે એક બેઠક રહી હતી. આ સ્થિતિમાં હવે ગાંધીનગરમાં નવા મેયર કોણ તેની ચર્ચા છેલ્લા પંદર દિવસથી ચાલી રહી હતી. ત્યારે આજે મેયર સહિતના પદાધિકારીઓ માટે ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. મ્યુનિ.કમિશનર ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એજન્ડા પ્રમાણે સૌપ્રથમ મેયરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષ પ્રમુખ રૃચિર ભટ્ટ દ્વારા મેયરના ઉમેદવાર તરીકે વોર્ડ નં.૮ના કોર્પોરેટર હીતેશભાઈ મકવાણાનું નામ જાહેર કરાયું હતું અને તેમણે ઉમેદવારી નોંધાવી હતી તો બીજી બાજુ સંખ્યાબળ ઓછુ હોવા છતાં વોર્ડ નં.૬ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષારભાઈ પરીખે પણ ઉમેદવારો નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ સમર્થન આપ્યું હતું. મેયરની ચૂંટણીમાં ભાજપના હિતેશભાઈ મકવાણાને ૪૧ મત જયારે આપના તુષાર પરીખને ત્રણ મત મળ્યા હતા અને ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ ડેપ્યુટી મેયર માટે ભાજપે પ્રેમલસિંહ ગોલનું ફોર્મ ભરાવ્યું હતું તો સામે કોઈ ઉમેદવાર નહીં હોવાથી ડેપ્યુટી મેયર તરીકે તેમની બિનહરીફ વરણી થઈ હતી. તો આ બેઠકમાં ભાજપ દ્વારા સ્થાયી સમિતિના બાર સભ્યોની પણ નિમણૂંક કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ મળેલી બેઠકમાં ચેરમેન તરીકે વોર્ડ નં.૧૧ના જશવંતભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકામાં છેલ્લા આઠ મહિનાથી વહીવટદારનું શાસન બાદ હવે નવા પદાધિકારીઓ આવી ગયા છે જેમના માથે હવે બંધ પડેલા કામો પુરા કરવાની પણ જવાબદારી છે. આ સમયગાળા દરમ્યાન નીતિ વિષયક નિર્ણયો પણ લઈ શકાયા નહતા. જેથી આગામી દિવસોમાં સ્થાયી અને સામાન્ય સભામાં આ તમામ દરખાસ્તો ઉપર પણ ચર્ચાઓ કરવામાં આવશે. ગાંધીનગર કોર્પોરેશનના ઈતિહાસમાં શહેરને પાંચમાં અને ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ત્રીજા મેયર મળ્યા છે હવે આ તમામ પદાધિકારીઓએ અઢી વર્ષ સુધી ગાંધીનગરના લોકોના પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું રહેશે.

સભામાં સિનીયર-જુનિયર નહીં પણ વોર્ડ પ્રમાણે બેઠક વ્યવસ્થા

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની મેયરની ચૂંટણી માટે આજે મળેલી સામાન્ય સભામાં ૪૪ કોર્પોરેટરોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે અગાઉની સામાન્ય સભામાં સિનિયર-જુનિયર નેતાઓ પ્રમાણે બેઠક વ્યવસ્થા રહેતી હતી પરંતુ આ પ્રથમ સામાન્ય સભામાં વોર્ડ નં.૧થી ૧૧ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો બહુમાળી બિલ્ડીંગના ચોથા માળે મળેલી આ સામાન્ય સભામાં જગ્યાના અભાવે ભાજપ કે અન્ય કોઈ પક્ષના કાર્યકર કે ટેકેદારોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ફકત કોર્પોરેટરો અને કર્મચારીઓને જ પ્રવેશ અપાયો હતો. આગામી ત્રણ-ચાર મહિના બાદ નવું બિલ્ડીંગ કાર્યરત થશે ત્યારે સામાન્ય સભા ખંડમાં પ્રેક્ષક ગેલેરી પણ રાખવામાં આવશે.

ભાજપે પક્ષના નેતા અને દંડક તરીકે બે મહિલા સભ્યોને સાચવી લીધા

ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનમાં અનુ.જાતિના મેયર બનવાના હોવાથી ભાજપ દ્વારા જ્ઞાાતિના સમીકરણો પણ ગોઠવવા મહત્વના બન્યા હતા. જેને અનુલક્ષીને સ્થાયી સમિતિનું ચેરમેનપદ પાટીદારને આપવામાં આવ્યું છે. જયારે રાજપુત સમાજમાંથી ડેપ્યુટી મેયર બનાવાયા છે. મુખ્ય ત્રણ હોદ્દાઓમાં પુરુષ કોર્પોરેટરોનું પ્રભુત્વ રહયા બાદ મહિલા કોર્પોરેટરોને પણ કોર્પોરેશનમાં સ્થાન આપવું જરૃરી હોવાથી વોર્ડ નં.રમાંથી પારૃલબેન ભુપતજી ઠાકોરને પક્ષના નેતા બનાવાયા છે જયારે દંડક તરીકે વોર્ડ નં.૧૦ના તેજલબેન યોગેશભાઈ નાયીને પસંદ કરાયા છે.

કોર્પોરેશનના હોદ્દાઓમાં શહેર કરતાં નવા ગ્રામ્ય વિસ્તારને પ્રભુત્વ

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ૧૮ ગામો અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરાયો હતો અને આ વખતે આ વિસ્તારો થકી ભાજપને જંગી બહુમતી મળી છે ત્યારે કોર્પોરેશનમાં વિવિધ પદોની વહેંચણીમાં પણ આ વિસ્તારના કોર્પોરેટરોને પ્રભુત્વ આપવામાં આવ્યું છે. અનુ.જાતિના મેયર હોવાથી વોર્ડ નં.૮ (સે-૪, પ, અંબાપુર, સરગાસણ)માંથી મેયરની પસંદગી કરવામાં આવી છે જયારે સ્થાયી સમિતિના ચેરમેન વોર્ડ નં.૧૧(ભાટ, કોટેશ્વર, સુઘડ)ના નવા વિસ્તારમાંથી છે અને આ જ પ્રકારે ડેપ્યુટી મેયર પણ વોર્ડ નં.૭ (વાવોલ, કોલવડા)માંથી બનાવાયા છે તો પક્ષના નેતા પણ વોર્ડ નં.ર (પેથાપુર,જીઈબી) જયારે દંડક પણ વોર્ડ નં.૧૦ (સે-૬, ૭, કોબા)માંથી બન્યા છે.

સ્થાયી સમિતિમાં પાંચ મહિલા અને સાત પાટીદાર સભ્યો!

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની સાથે સ્થાયી સમિતિની પણ વરણી કરવામાં આવી છે જેમાં કુલ ૧ર સભ્યો રાખવામાં આવ્યા છે. જેમાં ચેરમેન તરીકે જશવંતભાઈ અંબાલાલ પટેલ જયારે સભ્યો તરીકે મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ (દાસ), સોનાલીબેન ઉરેનકુમાર પટેલ, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, દીપ્તીબેન મનીષકુમાર પટેલ, દક્ષાબેન વિક્રમજી મકવાણા, કીંજલકુમાર દશરથભાઈપટેલ, શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, રાજેશકુમાર રાવજીભાઈ પટેલ, સંકેત રમેશભાઈ પંચાસરા, પદમસિંહ ભરતસિંહ ચૌહાણ અને અંજનાબેન સુરેશભાઈ મહેતાનો સમાવેશ કરાયો હતો. આ સમિતિમાં કુલ ૧ર સભ્યો પૈકી પાંચ મહિલાઓ અને સાત પાટીદાર સભ્યનો સમાવેશ જોવા મળ્યો હતો.

નવા વિસ્તારને ગાંધીનગરની સમકક્ષ બનાવી દઈશું-મેયર

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાના પાંચમા મેયર તરીકે વોર્ડ નં.૮ના હીતેશ પુનમભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રજાએ વિશ્વાસ મુકીને ભાજપને જંગી બહુમતિથી જીત અપાવી છે ત્યારે તેમની તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે એટલું જ નહીં ગાંધીનગર કોર્પોરેશનમાં ૧૮ ગામ અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારોમાં પણ ગાંધીનગર શહેરની સમકક્ષ સુવિધાઓ મળે તે પ્રકારે આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.

પદાધિકારીઓની વરણી બાદ અગાઉ પડેલા બન્ને જુથોમાં સોંપો : કોર્પોરેશનમાં હવે ભાજપના કોઈ જુથનું વર્ચસ્વ નહીં રહે :

છેલ્લા ઘણા સમયથી જુથો વચ્ચે ચાલતાં કકળાટના કારણે પક્ષે લડાઈ શાંત પાડવા નિમણૂંકો કર્યાની ચર્ચા

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં આમ તો છેલ્લી બે ટર્મથી તડજોડથી પણ ભાજપનું જ શાસન રહયું હતુ અને આ સમયગાળા દરમ્યાન ભાજપમાં કોર્પોરેશનમાં વર્ચસ્વ જમાવવા બે જુથો વચ્ચે રીતસર લડાઈ ચાલી રહી હતી ત્યારે નો રીપીટ થીયરી બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ હવે પદાધિકારીઓની નિમણૂંકમાં પણ કોઈ જુથનું ચાલ્યુ નથી અને પક્ષ દ્વારા જે નેતાઓની પસંદગી કરવામાં આવી છે તે બન્ને જુથો સાથે સીધો સંપર્ક ધરાવતા નથી જેના કારણે હવે કોર્પોરેશનમાં હાલ તો કોઈ જુથનું વર્ચસ્વ નહીં રહે તેમ લાગી રહયું છે.

રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકામાં રચના થઈ ત્યારથી ભાજપે તડજોડની નીતિ કરીને જ સત્તા હાંસલ કરી હતી ત્યારે આ મળેલી સત્તામાં કોર્પોરેશનમાં દબદબો જમાવવા માટે ભાજપના બે જુથો સક્રિય હતા. અગાઉના પદાધિકારીઓથી લઈ પક્ષના નેતાઓ પણ કોર્પોરેશનમાં પોતાના તરફી માહોલ ઉભો કરવામાં રચ્યા-પચ્યાં રહેતા હતા જેના કારણે પડી ગયેલા બે જુથોના કારણે પક્ષને જ ભોગવવાનો વારો આવતો હતો ત્યારે ગત ટર્મમાં પણ મેયર અને ચેરમેન જુથનો કકળાટ ગાંધીનગરે જોયો હતો. આ જ સ્થિતિમાં ભાજપે નો રીપીટ થીયરીનો દાવ ખેલ્યો હતો અને તમામ કોર્પોરેટરોની ટીકીટ કાપી દેવામાં આવી હતી ત્યારે ભાજપે ચૂંટણીમાં જંગી બહુમતી હાંસલ કરી લીધા બાદ પણ કોર્પોરેશનમાં પદાધિકારીઓની નિમણૂંકમાં પણ આ બન્ને જુથો સક્રિય રહયા હતા અને તેમના વિશ્વાસુ કોર્પોરેટરોને પદ મળે તે માટે ગઈ રાત સુધી મથામણ થઈ હતી પરંતુ પક્ષે કોર્પોરેશનના અગાઉના કકળાટને ધ્યાને રાખીને હવે કોઈ જુથ તરફી નહીં રહેલા કોર્પોરેટરોને પદો આપી દીધા છે જેના કારણે હવે હાલના તબક્કે તો કોર્પોરેશન ઉપર કોઈ જુથનું વર્ચસ્વ નહીં રહે ત્યારે આ નવા પદાધિકારીઓ પણ કોઈ જુથબંધીમાં આવે છે કે નહીં તે જોવું રહયું

Leave a Reply

Your email address will not be published.