697 Total Views
વડોદરા,તા.18 ઓક્ટોબર 2021,સોમવાર
વડોદરામાં વારંવાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મગર દ્વારા હુમલાના બનાવો બનતા હોય છે. વડોદરામાં મગરની આવી જ એક દિલ ધડક ઘટના સામે આવતા ચાર શ્રમજીવીઓનો બચાવ થયો છે.
રાજમહેલ રોડ થી વિશ્વામિત્રી જવાના રસ્તે લાલબાગ બ્રિજ નીચે આવેલા ઝુપડાઓમાં શ્રમજીવીઓ રહે છે. એક ઝૂંપડામાં ચાર શ્રમજીવીઓ સુઈ રહ્યા હતા ત્યારે ચાર ફૂટનો મગર ઝુપડામાં ઘૂસી ગયો હતો. શ્રમજીવીઓ નિરાંતે નીંદર માણી રહ્યા હતા. ત્યારે મગર તેમનાથી 5 ફૂટ દૂર નાહવાની ચોકડીમાં અડીંગો જમાવીને બેસી ગયો હતો.
સવારે ઉઠેલા શ્રમજીવી પૈકી એક જણાનું ધ્યાન ચોકડી તરફ જતા કાંઈક હલતુ દેખાયું હતું. તેણે ફરીથી જોયું તો ત્યાં મગર દેખાયો હતો. જેથી શ્રમજીવીઓ દોડીને બહાર નીકળી ગયા હતા.
બનાવને પગલે ઊહાપોહ થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી. કાર્યકરોએ અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.